GujaratPorbandarSaurashtra

રમત ગમત કચેરીમાં માહિતી માંગવાની વાતને લઈને થઈ મારામારી, સામ સામે થઈ પોલીસ ફરિયાદ

સરકારી કચેરીઓમાં ઘણી વખત કામને લઈને અધિકારીઓ સાથે બોલાચાલી થતી હોય છે. પરંતુ ઘણી વખત આવી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે. ત્યારે આવું જ કંઈક પોરબંદર ખાતે આવેલ જિલ્લા રમતગમત અધિકારી કચેરીમાં બન્યું હોવાનું સામે આવ્યું છે, જ્યાં મનીષાબેન કાનજીભાઈ મંગેરા નામની મહિલા બીજા બે લોકો સાથે તારીખ 21 જૂન 2023ના રોજ સાંજે ચાર કલાકે જિલ્લા રમત-ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરાને મળવા ગયા હતા. જેમાં એક મહિના અગાઉ મનીષાબેન દ્વારા કરવામાં આવેલ RTIની માહિતી માંગવામાં આવી હતી. તે દરમિયાન અધિકારી અને મનીષાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બાદમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ત્યારે જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરાએ આ સમગ્ર મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં RTIની માહિતી માંગવા આવેલ મનિષાબેન મંગેરા, બીપીનભાઈ ધવલ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તો RTIની માહિતી માનગનાર મનીષાબેને પણ આ મામલે જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા સામે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે મનીષાબેને જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ 12 એપ્રિલના રોજ બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતી જેમાં અધિકારીઓએ કાગળ પર એવું દર્શાવ્યું કે આ કાર્યક્રમ 14 એપ્રિલ 2022ના રોજ થયો હતો. મનીષાબેને જણાવ્યું કે, 20 હજાર રૂપિયાની આ કાર્યક્રમ ઉચાપત થઈ હોવાનું ધ્યાનમાં આવતા તેમણે આ બાબતે RTI કરી હતી. જેનો જવાબ અને માહિતી લેવા માટે થઈને તેઓ જિલ્લા રમત ગમત અધિકારી પાસે ગયા હતા. અને આ વાતમાં ઉગ્ર બોલાચાલી કરીને રમત ગમત અધિકારીએ મને ઝાપટ મારી હતી.

જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણા પાંડાવદરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે મનીષાબેન અને અન્ય બે લોકોએ આવીને માહિતી માંગી હતી, ત્યારે મેં તેમને કહ્યું કે, RTIનો જવાબ તો તમને મેં આપેલો જ છે. અને જો તમે આ જવાબથી સંતુષ્ટ ન હોય તો તમે તે માટે આગળ અપીલમાં જઈ શકો છો. પરંતુ તેઓએ આ બાબતને લઈને મારી સાથે ઉગ્ર રજૂઆત કરી ગંદી ગાળો બોલીને મારી સાથે મારામારી પણ કરી હતી. હું જ્યારે મારો બચાવ કરવા ગઈ તે દરમિયાન તે લોકોએ વિડીયો મોબાઈલમાં ઉતારીને તેને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે સામસામે એકબીજા પર ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.