AhmedabadGujarat

ડોલર મેળવવાની લાલચમાં ફર્નિચરના વેપારીએ લાખો રૂપિયા ગુમાવ્યા

ખેડા જિલ્લામાં છેતરપિંડીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે  અમદાવાદ શહેરના એક મિસ્ત્રીને મહુધા પંથકમાં એક ગઠિયાએ લાખો રૂપિયાની ટોપી પહેરાવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં વસવાટ કરતા 41 વર્ષીય ધર્મેશભાઇ મિસ્ત્રી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 7 જુલાઈના રોજ ધર્મેશભાઈને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાળી વ્યક્તિએ ધર્મેશભાઈ ને જણાવ્યું કે, અમારે મંદિરમાં ફર્નિચરનુ એક કામ કરાવવાનું કહીને ધર્મેશભાઈને વોટ્સએપ મારફતે ફોટા મોકલ્યા હતા. જોકે ધર્મેશભાઈ ને વધારે કામ હોવાથી તેઓ આ ફોટા જોઈ શક્ય નહતા. બાદમાં તે અજાણ્યા નંબર પરથી ફરી ફોન આવ્યો અને ધર્મેશભાઈ ને કહ્યું કે, અમારા મંદિરમાં આવતા ભક્તો રોકડ રૂપિયા તેમજ ડોલરનું દાન કરવામાં આવે છે અને તે ડોલર વટાવીને ફર્નિચરનું કામ કરી આપવા જણાવ્યું હતું. જેથી ધર્મેશભાઈ ડોલર મેળવવાની લાલચમાં આવી જતા 12 જુલાઈના રોજ તે અને તેમના મિત્ર બંને જણા અમદાવાદ થી મહુધા ખાતે પહોંચ્યા હતા.

ત્યાર બાદ મહુધા અલીણા રોડ ખાતે આવેલ કેનાલ નજીક તે અજાણ્યા શખ્સ અને ધર્મેશભાઈ બંને વચ્ચે મુલાકાત થઈ હતી.  ત્યારે અજાણ્યા વ્યકિતએ ધર્મેશભાઈને  100-100 ના દરની ડોલરની 4 જેટલી નોટો બતાવીને નોટો વટાવીને ચેક કરવા માટે જણાવ્યું હતું. જેની તપાસ કરતા તે નોટો અસલી હોવાનું જણાયુ હતું. ત્યારપછી આ શખ્સે બીજા દિવસે ધર્મેશભાઈને ફોન કરીને કહ્યું કે તમારે બીજા ડોલર જોઈતા હોય તો કહેજો મારી પાસે 100 ના ડરના ડોલરના 5 બંડલ પડ્યા છે. તેના સાડા ત્રણ લાખ રૂપિયા થશે તેવું પણ જણાવ્યું હતું. પહેલા શખ્સની આ વાત સાંભળીને ધર્મેશભાઈ ને લાલચ જાગી હતી. ત્યાર પછી ગઠિયાએ 14 જુલાઈના રોજ ધર્મેશભાઈને ફોન કરીને ડોલર લેવા માટે કહ્યું હતું. તેથી ધર્મેશભાઈ અને તેમના મિત્ર બંને જણા 3.50 લાખ રૂપિયા લઈને અમદાવાદ થી મહુધા જવા માટે નીકળ્યા હતા. મહુધાથી કઠલાલ રોડ ખાતે આવેલ જોગણી માતાના મંદિર નજીક પહોંચતા એક 30 વર્ષની ઉંમરના અજાણ્યા  શખ્સ સાથે વાતચીત કરીને તેને 3.50 લાખ રૂપિયા આપ્યા હતા. અને તે શખ્સે પણ 100-100 ના દરના ડોલરના બે બંડલ બતાવીને તેમાંથી એક બંડલ ધર્મેશભાઈને આપ્યું હતું. બાદમાં તેમને વાતોમાં વ્યસ્ત કરીને તે શખ્સ અચાનક જ ખેતરાડુ રસ્તેથી ભાગીને ફરાર થયો હતો. ત્યારે ધર્મેશભાઈ એ ડોલરનું બંડલ તપાસતા જોયું તો  ઉપર અને નીચેની બાજુએ 100-100 ના ડોલરની નોટ અને વચ્ચેની બાજુએ 1-1 ના દરની 98 ડોલરની નોટો નીકળી હતી. જે જોઈ ધર્મેશભાઈ ના હોંશ ઉડી ગયા હતા. અને તેમને અહેસાસ થયો કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

તમને જણાવી દઈએ કે, હાલ તો ધર્મેશભાઈએ આ સમગ્ર મામલે મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.