AhmedabadGujarat

અમદાવાદમાં તિરંગા યાત્રામાં લોકોની જોવા મળી ભારે ભીડ, CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી સંઘવી પણ આ યાત્રામાં જોડાયા

દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ અભિયાનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને આ યાત્રામાં જોડાઈ પણ ગયા હતા.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ઘાટલોડિયા ચાણક્યપુરી થી નિર્ણયનગર સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રાનું શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરાયું હતું. તેની સાથે આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતના અનેક રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આ સિવાય આ યાત્રામાં ઇન્ડિયન આર્મી, એરફોર્સ, નેવીના જવાનો, પોલીસકર્મીઓ સહિત અનેક લોકો જોડાયા હતા. આઝાદી પહેલાની આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.

અમદાવાદના ઘાટલોડિયા ના ચાણક્યપુરી વિસ્તારથી ભવ્ય તિરંગા યાત્રા ની શરૂઆત થઈ હતી. તેના લીધે ઘાટલોડીયાનો કે. કે. નગર રોડ તિરંગા મય બની ગયો હતો. યાત્રા ના લીધે સમગ્ર રોડ પર દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે સમગ્ર રોડ પર વંદે માતરમ અને ભારત માતા કી જયના લોકો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા.