GujaratAhmedabad

આરોપી કિરણ પટેલ અને તેની પત્નીને લઈને ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

નકલી IAS અધિકારી કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો થશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે જમ્મુ કાશ્મીર ખાતે જવા માટે રવાના થઇ છે. ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં અવશે. હાલ કિરણ પટેલ જમ્મુની જેલમાં છે. કિરણ પટેલ અને તેના પત્ની વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

આશરે પાંચેક દિવસ પહેલા મહાઠગ કિરણ પટેલના પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. મકાન પચાવી પાડવા તેમજ છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ કરી હતી. કિરણ પટેલની પત્ની માલિનીએ આગોતરા જામીન માટેની અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં માલિની પટેલ વિરુદ્ધ મકાન પચાવી પાડી છેતરપિંડી આચરવા અંગેની ફરિયાદ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કિરણ પટેલ તેમજ તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ બંગલો પચાવી પાડવા તેમજ છેતરપિંડી આચરવા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. જે અંતર્ગત કાર્યવાહી હાથ ધરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ગુજરાતનો કિરણ પટેલ નામના મહાઠગની કાશ્મીરમાં દહરપકડ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી કાર્યયલમાં મોટી જવાબદારી સંભાળતો હોવાની ખોટી ઓળખ આપીને દેશની અત્યંત સંવેદનશીલ જગ્યાઓ પર પહોંચી ગયો હતો. તે એકવાર નહીં પરંતુ અનેક વખત કાશ્મીરમાં જઈ આવ્યો તેમજ દેશની અત્યંત મહત્વની સિક્યોરિટીનો ખોટી રીતે ઉપયોગ કરતો હતો. હવે તેની ધરપકડ થયા પછી આ સમગ્ર કેસમાં ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે.