કડીથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં એક આધેડને કરિયાણાની વસ્તુ લેવી ભારે પડી છે. કડી તાલુકાના બુડાસણ હાઇવે પર બુડાસણ ગામના આધેડ કરિયાણાની વસ્તુ લેવા માટે ગયેલા હતા. તે વસ્તુ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે કડી તરફથી આવી રહેલા એક ક્રેન દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. જયારે ક્રેનનું આગળ ટાયર તેમના માથા પર ફરી વળતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજતા પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કડી તાલુકાના બુડાસણ ગામમાં રહેનાર ઝેણાજી ઠાકોર છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. તે શુક્રવાર સાંજના સમયે પોતાના ઘરેથી હાઇવે પર કરિયાણાની વસ્તુ લેવા માટે નીકળ્યા હતા અને કરિયાણાની વસ્તુ લઈને તે રોડ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે કડી તરફથી આવી રહેલ એક ક્રેન દ્વારા તેમને પાછળથી ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે તે રોડ પર પટકાયા અને તેમના માથા પરથી ટાયર ફરી વળતા તેમને ભારે ઈજા પહોંચી હતી.
ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તેમના પરિવારજનોને જાણ કરાઈ હતી. તેની સાથે 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી આવી અને તેમને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને લઇ કડી પોલીસ દ્વારા ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ક્રેનચાલક ક્રેન મૂકીને ઘટનાસ્થળ પરથી નાસી ગયો હતો. એવામાં આધેડનું મોત થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.