પહેલાના જમાનામાં લોકો જેની સાથે લગ્ન કરે તેની સાથે જીવનભર રહીને એકબીજાને ખૂબ પ્રેમ કરતા અને જીવન ગુજારતા હતા. પરંતુ આજકાલ લોકો લગ્ન પછી પણ અન્ય વ્યક્તિના પ્રેમમાં પડતા હોય છે. અને આવા સંબંધોનો હંમેશા કરુણ અંત આવતો હોય છે. આવું જ કંઈક વડોદરામાં સામે આવ્યું છે. જ્યાં પત્ની અને તેનો પ્રેમી એકાંતમાં હતા અને પતિએ તે દરમિયાન તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બાદમાં પત્નીના પ્રેમીને એટલો બધો માર મારવામાં આવ્યો કે તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના અમરાપુરા નામના ગામમાં વસવાટ કરતા વિનોદ ગોહિલ નામના એક પરણિત યુવક અને કોયલી નામના ગામે વસવાટ કરતી એક પરણિતા વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. વિનોદ અવાર નવાર તેની પ્રેમિકાને મળવા માટે કોયલી જતો હતો. પરંતુ ગત રોજ વિનોદ જ્યારે તેની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયો હતો તે દરમિયાન મહિલાનો પતિ અજિત ચૌહાણ અચાનક જ ઘરે આવી ગયો હતો. જેથી બંને જણા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. ત્યારપછી પરિણીતાની નજર સામે જ તેના પ્રેમી વિનોદને પતિ અજિત અને જેઠ નિમેષ ચૌહાણે લાકડાના ફટકા મારી મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. બાદમાં અજિત ચૌહાણે વિનોદની પુત્રી કોમલને ફોન કરીને કહ્યું કે તારા બાપને જીવતો જોવા માંગતા હોય તો અહીંથી લઇ જાઓ’ જેથી વિનોદની પુત્રી અને તેના પરિવારજનો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધી તો વિનોદનું મોત નીપજી ચૂક્યું હતું.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.