રાજ્યમાં અવારનવાર સ્પાની આડમાં ચલાવવામાં આવતું કુટણખાનું ઝડપાતું રહે છે. એવામાં આજે એવી જ એક બાબત આણંદથી સામે આવી છે. આણંદ SOG દ્વારા આણંદ શહેરના સરદાર પટેલ માર્ગ ઉપર રેલવે ફાટક પાસેના કોમ્પલેક્ષમાં આવેલા એક સ્પા સેન્ટરમાં રેડ પાડી સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સ્પા ખાતેથી પાંચ થાઈલેન્ડ તથા એક કેન્યાની અને બે સ્થાનિક યુવતીઓ કુલ આઠ યુવતીઓ સાથે આઠ ગ્રાહક યુવકો અને સ્પાના સંચાલકને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જાણકારી મુજબ, આણંદ ના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર એલીકોન રેલવે ફાટક પાસે આવેલા ક્રિશ્ના કોર્નર કોમ્પલેક્ષ ખાતે ચલાવનાર રોલેક્ષ ફેમિલી સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની જાણકારી આણંદ એસઓજી ને પ્રાપ્ત થઈ હતી. તેના આધારે એસઓજી દ્વારા ગઈ કાલના સ્પા સેન્ટર ખાતે રેડ પાડવામાં આવી હતી.
નોંધનીય છે કે, આણંદ SOG દ્વારા સ્પા સેન્ટરમાં છ વિદેશી યુવતીઓ ઝડપી પાડવામાં આવી હતી. તેમાં પાંચ યુવતીઓ થાઈલેન્ડની અને એક યુવતી કેન્યાની હોવાનું સામે આવ્યું છે. તેની સાથે બે સ્થાનિક યુવતીઓ પણ ઝડપાઈ છે. પોલીસ દ્વારા યુવતીઓની સાથે-સાથે ગ્રાહક તરીકે આવેલા આઠ યુવકો અને સ્પા સેન્ટર ના સંચાલક ને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. એસઓજી દ્વારા કુલ 17 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ સિવાય વિદેશથી આવેલી આ યુવતીઓ ભારતના વિઝિટર વિઝા ઉપર આવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં વિઝીટર વિઝા ઉપર ભારત આવી આ યુવતીઓ દેહવ્યાપારના ધંધામાં સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. હાલમાં એસઓજી દ્વારા તમામ ૧૭ વ્યક્તિઓની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.