Gujarat

અરવલ્લીના બાયડ તાલુકાના રમાસ ગામેથી શંકાસ્પદ બાંગ્લાદેશી યુવક ઝડપાયો

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની માંગ ના લીધે શેખ હસીના દ્વારા વડાપ્રધાન પદે થી રાજીનામું આપી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં હિંસા ફેલાતા અનેક લોકો દ્વારા ભારતમાં ઘૂસણખોરી નો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એવામાં જ અરવલ્લીના બાયડ થી સમાચાર સામે આવ્યા છે. અરવલ્લીના બાયડ માંથી બાંગ્લાદેશી યુવાન ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. બાંગ્લાદેશી બાયડ વિઝા અને પાસપોર્ટ વગર કેવી રીતે આવ્યો તેને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. બાંગ્લાદેશી યુવક એક યુવતી ને મળવા માટે બાયડ આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, બાંગ્લાદેશથી યુવાન વિઝા અને પાસપોર્ટ વગર ઘૂસ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં તે પણ સામે આવ્યું છે કે, દુબઈમાં રામોસ ગામની યુવતી કામ કરતી થઈ તેની સાથે આ યુવાનનો પરિચય થયો હતો. આ યુવાન યુવતીને મળવા માટે બાંગ્લાદેશ થી બાયડ આવ્યો હતો.

આ બાબતમાં મહિલા પોલીસ વડા શેફાલી બારવાલ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, SOG ની ટીમ દ્વારા બાયડમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બાતમી મળી હતી કે, વાત્રક પાસેથી શંકાસ્પદ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી ફરી રહ્યો છે તે બાબતને ધ્યાનમાં લેતા SOG ની ટીમ દ્વારા આ વ્યકિતની અટકાયત કરવામાં આવી હતી. આ વ્યક્તિ બશીર અહેમદ અબ્દુલ  છે અને આ વ્યક્તિ બાંગ્લાદેશનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ આ મામલામાં દેશની  14 નેશનલ એજન્સીને જાણ કરી દેવામાં આવી છે.  તેની સાથે તે પણ જાણકારી સામે આવી છે કે, છેલ્લા 16 દિવસથી બાયડમાં રહી રહ્યો હતો. તેની સાથે પોલીસ દ્વારા તેના મોબાઈલની તપાસ કરવામાં આવતા તેમાં ભારત વિરુદ્ધનું લખાણ પણ મળ્યું છે. એવામાં સમગ્ર મામલામાં હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.