લગ્નમાં ગરબા રમીને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો યુવાન
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા મહિનામાં હાર્ટએટેકથી 20 થી વધુ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે આજે આવા જ એક સમાચાર રાજકોટ શહેરથી સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં એક લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ એક યુવકને હાર્ટએટેક આવી ગયો હતો તેના લીધે તેનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે લગ્ન પ્રસંગમાં મરણ થતા લગ્ન પ્રસંગમાં ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું.
તમને જણાવી દઈએ કે, રાજકોટના અમિત ચૌહાણ નામના યુવકને હાર્ટએટેક આવતા કરૂણ મોત નિપજ્યું છે. અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગ માટે ગયેલો હતો. લગ્નના આગામી દિવસે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યારે દાંડિયા રાસ રમ્યા બાદ અમિત ચૌહાણ ઘરે પરત આવ્યો ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ પરિવાજનો દ્વારા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
હાર્ટ એટેક કેમ આવે છે?
હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા હતા કે રમતા,દોડતા,ચાલતા, નાચતા યુવાનો અચાનક જ ઢળી પડતા હતા. અને પછી હાર્ટએટેકથી યુવાનનું મોત થયુ હોવાનું સામે આવતુ હતું. જેના પર રોસર્ચ કરતા નિષ્ણાતોએ તેમનો મત રજૂ કર્યું અને કહ્યું કે શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ બની રહી છે.
આ વિશે નિષ્ણાતોએ કહ્યું હતું કે, પ્લેક એ એક પ્રકારનો ચરબીયુક્ત પદાર્થ છે, જે આપણા શરીરની ધમનીની દિવાલોમાં એકત્ર થાય છે. જેથી યુવાઓને હાર્ટ એટેક આવે છે. ધમનીમાં જો પ્લેકનું પ્રમાણ ખૂબ વધુ થઇ જાય તો ગણતરીની મિનિટોમાં જ તે 100 ટકા સુધી પહોંચી જતું હોય છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ જો વધુ કસરત,શ્રમ કે કોઈ સ્પોર્ટસ એક્ટિવિટી કરે તો તે વ્યક્તિને હાર્ટએટેક આવે તેવી સંભાવનાઓ રહેલી હોય છે.
વધુમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કાર્ડિયોવેસ્ક્યૂલર રોગમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થવાનું કારણ એ કોરોના પણ છે. કોરોનાના કારણે આપણી ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક સર્જાય છે. જે ખૂબ જ ખતરનાક છે. જે વ્યક્તિના શરીરમાં પ્લેક હોય છે તેને તો ખબર જ નથી હોતી. ગુજરાતમાં આ પ્રકારનો રોગ ધરાવતા યીવાનોની સંખ્યા સતત વધી રહી છે. 40 વર્ષથી નીચેની ઉંમરના યુવાનોમાં આ સમસ્યા ખૂબ જ વધી રહી છે. પરંતુ આ સમસ્યા અચાનક નથી આવતી. પરંતુ તેની પાછળ હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, અને તેમની જીવનશૈલી કારણભૂત હોય છે. આ માટે સજાગ રહેવા 30 વર્ષ પછી નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ. જ્યારે પણ તમને શરીરમાં કોઈપણ જાતની અનિયમિતતા અનુભવાય તો તમારે તાત્કાલિક ડોક્ટરને બતાવવુ જોઈએ. જેથી આપણે મોટી બીમારીથી બચી શકીએ છીએ.