AhmedabadGujarat

દિલ્હીનો યુવક ડેટિંગ એપ થી સંપર્કમાં આવેલ મહિલા ને અમદાવાદની હોટલમાં મળવા ગયો અને પછી..

આજ કાલ ડેટિંગ એપ્લિકેશન ના માધ્યમથી અજાણ્યા યુવક અને યુવતીઓ એક બીજાને મળતા હોય છે. પરંતુ આમ કરવું ક્યારેક ભારે પડી જતું હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં એક યુવક અને યુવતીની ડેટિંગ એપ પર વાતચીત થયા બાદ યુવતીએ યુવકને હોટલમાં મળવા માટે બોલાવ્યો હતો. યુવક જ્યારે હોટલમાં મળવા ગયો ત્યારે યુવતી અને તેની મિત્રએ મળીને યુવકને લૂંટી લીધો હતો. ત્યારે હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીથી અમદાવાદ આવેલા એક એન્જિનિયર યુવકે હિન્જ નામની એક ડેટિંગ એપ્લિકેશન પર પોતાનો પ્રોફાઈલ બનાવી હતી. મીરા અને સના નામની આ બે ટ્રાન્સજેન્ડર મહિલા મિત્રો સાથે રહે છે. ત્યારે મીરાએ હિન્જ એપ્લિકેશન પર દિલ્હીથી આવેલા યુવકનો સંપર્ક કરીને તેની સાથ વાતચીત કરી હતી. અને બાદમાં એલિસબ્રિજ ખાતે આવેલી એપેક્સ હોટલમાં યુવકને મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં મીરા અને સના આ બંને ટ્રાન્સજેન્ડર મહિલા મિત્રએ દિલ્હીથી અમદાવાદ આવેલા અમીન ભરતવાજ નામના એન્જિનિયર યુવક પાસેથી લૂંટ ચલાવીને રોકડા 9,000 રૂપિયા અને યુવકે પાસે રહેલ લેપટોપ પડાવી લીધું હતું.

નોંધનીય છે કે, આ સમગ્ર બાબતની જાણ થતાં જ પોલીસે આ મામલે બંને ટ્રાન્સજેન્ડર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધીને બંનેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાંથી એક મહિલા આરોપીને પોલીસે ઝડપી પાડી છે તો બીજી આરોપી ફરાર છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને મહિલા ટ્રાન્સજેન્ડર જુદા જુદા શહેરોમાં જઈને ત્યાંના જે યુવકો ડેટિંગ એપ્લિકેશન પર હોય તેમને પોતાની જાળમાં ફસાવીને હોટલમાં મળવા બોલાવતા હતા. અને બાદમાં યુવક પાસેથી લૂંટ ચલાવતા હતા. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.