GujaratNavsariSouth Gujarat

ચીખલી તાલુકાની યુવા મહિલા સરપંચે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે.  ચીખલી તાલુકાના ઘેકટી ગામની મહિલા સરપંચ દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ,  ચીખલી તાલુકાના ઘેકટી ગ્રામ પંચાયતની મહિલા સરપંચ રણજીતાબેન પટેલ દ્વારા કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. ત્યાર બાદ તેમને સારવાર  માટે નાંદરખા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં હાજર તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ભાજપના નેતાઓ અને ગામના આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ ઘટના સમયે રણજીતાબેન ઘરમાં એકલા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે  તેમના પતિ જીતેન્દ્રભાઈ પટેલ સાસરીમાં રણજીતાબેનની માતાની તબિયત સારી ના હોવાના લીધે સાસુને મળવા માટે ગયેલા હતા. ઘેકટી ના સરપંચ રણજીતાબેન પટેલ ભાજપ સમર્પિત સરપંચ હોવાના લીધે હોસ્પિટલમાં ભાજપના કેટલાક નેતાઓ દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ હોસ્પીટલમાં આવી પહોંચી હતી. હાલમાં પોલીસ દ્વારા મહિલા સરપંચ નો મોબાઇલ ફોન પણ તપાસ માટે લઇને વધુ તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, આપઘાત કરનાર મહિલા સરપંચ નો પતિ વીજ કંપનીમાં ફરજ પર રહેલ છે અને તેમને પરિવારમાં બે બાળકો રહેલા છે. ગામમાં મહિલા સરપંચ ના મૃત્યુના સમાચારથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  રણજીતાબેને સરપંચ પદના ટૂંકા ગાળામાં જ સારી લોકપ્રિયતા મેળવી છે. હાલમાં પોલીસ દ્વારા લાશનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી શરુ કરી છે. પીએમ અને મોબાઈલ ફોન ની ડિટેલ સહિતની તમામ બાબત ની તપાસ બાદ સાચી હકીકત સામે આવશે.