વ્યાજખોરોનો આતંક : 50 હજારના 1.61 લાખ વસૂલીને પણ પૈસા બાકી છે કહીને ઉઘરાણી કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ
રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલ એક યુવકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે તેણે એક મહિલા વ્યાજખોર પાસેથી 10% લેખે 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. 10% લેખે તેના બદલામાં મેં અત્યાર સુધીમાં 1.61 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ તે મહિલા વ્યાજખોર હજુ બીજા પૈસા બાકી છે તેમ કહીને ઉઘરાણી કરી રહી છે. અને જો પૈસા નહીં આપે તો યુવકે આપેલ કોરો ચેક બેંકમાં ભરી દેવાની ખોટી રીતે ધમકી પણ આપે છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિજાપુર તાલુકા ખાતે આવેલ કુકરવાડા નામના ગામે વસવાટ કરતા દિલીપભાઈ નાઈ દરજી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા તેઓ કાંકરેજ તાલુકા ખાતે આવેલ રવિયાણા નામના ગામે વસવાટ કરતા હતા. તે સમયે અચાનક તેમને પૈસાની જરૂર આવી પડતા તેમણે અવારનવાર તેમની દુકાને આવતા તેમજ પડોશમાં વસવાટ કરતા ભારતીબેન ચૌહાણ પાસે બેન્ક વ્યાજે પૈસા માંગ્યા હતા. જેથી આરતીબેને દિલીપભાઈને 50,000 રૂપિયા આપ્યા હતા. અને મહિનો પૂરો થયા પછી આરતીબેને દિલીપભાઈ પાસે 10% લેખે 50,000 રૂપિયાના 5000 રૂપિયા વ્યાજની માંગણી કરી હતી અને ધમકી આપી હતી મેં જો સમયસર મૂડી અને વ્યાજ નહીં આપે તો પછી મજા આવશે નહિં. ત્યારપછી દિલીપભાઈએ જૂન 2021થી લઈને એપ્રિલ 2023 સુધીના સમય દરમિયાન આરતીબેનને દર મહિને 10% વ્યાજ લેખે 5000 રૂપિયા અને મૂડીમાં ₹2,000 લેખે પૈસા ચૂકવે રાખ્યા હતા. તેમજ આરતીબેન ખોટી બબાલ ન કરે તેમજ તેમને વધુ વિશ્વાસ અપાવવા માટે થઈને દિલીપભાઇએ આરતીબેનને સહી કરીને એક કોરો ચેક પણ આપ્યો હતો. અત્યાર સુધી વ્યાજે લીધેલા 50 હજાર રૂપિયાની સામે દિલીપભાઈએ મૂડી અને વ્યાજની રકમ સહિત આરતીબેનને કુલ 1.61 લાખ રૂપિયા ચૂકવ્યા છે. તેમ છતાં પણ આરતીબેન ખોટી રીતે ગણતરી કરીને દિલીપભાઈ પાસેથી વ્યાજ, પેનલ્ટી તેંજ મૂડીની રકમ સહિત કુલ 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે. અને ધમકી આપી રહ્યા છે કે જો પૈસા નહીં આપે તો દિલીપભાઈએ સહી કરીને આપેલો કોરો ચેક બેંકમાં ભરી દઈશ.
નોંધનીય છે કે, આરતીબેન દ્વારા સતત આપવામાં આવતી આ પ્રકારની ધમકીથી કંટાળીને દિલીપભાઈએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.