રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેના લીધે સુરતના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા. જ્યારે રસ્તાઓ મસમોટા ખાડાઓ પણ પડી ગયા છે. એવામાં આ ખાડાઓ ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેક કાપીને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયત્ન કરાયો હતો. જ્યારે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, પાલિકામાં વિપક્ષ નેતા પાયલબેન સાકરીયા ની આગેવાનીમાં રસ્તા પર પડેલા મસમોટા ખાડા પાસે કીને કેક કાપવામાં આવી હતી. તેના પછી આ રસ્તા પરથી પસાર થનાર વાહનચાલકોને કેક ખવડાવીને નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે આ ખાડાઓ ઝડપથી પુરાય તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી.
આ સાથે વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરોડોનો કરવામાં આવી રહ્યો છે. લોકો ખાડાઓથી હેરાન છે. તેમ છતાં ભ્રષ્ટાચાર માં લિપ્ત ભાજપના પેટનું પાણી પણ હલી રહ્યું નથી. તેની સાથે ખાડા પુરવાના કાર્યક્રમ દરમિયાન વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.