AhmedabadGujarat

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે કમોસમી વરસાદનો કહેર

હાલના સમયમાં રાજ્યના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ભરઉનાળે ચોમાસાનો માહોલ બની ગયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર જોવા મળી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. શનિવારના રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ચાર દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજયના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. આજથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડી શકે છે તેમ છતાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ મુજબ, આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી માં વરસાદી માહોલ બનવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં વરસાદી માહોલ બન્યો રહેશે.

આ સિવાય સોમવારના સાબરકાંઠા, અરવલ્લી સહિત પોરબંદર, દ્વારકા અને કચ્છમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે મંગળવારના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસશે. આ સિવાય બુધવારના રોજ રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ડાંગ, દાહોદ, તાપી, કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસશે.