ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જ્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, આગામી ત્રણ દિવસ રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. હવામાન વિભાગે મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. તેની સાથે આજે ગુજરાતના પારબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, છોટાઉદેપુર, અરવલ્લી અને નર્મદામાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે ગાંધીનગર, ભરૂચ, સુરત, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આણંદ, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદમાં પણ વરસાદી માહોલ બનવાની શક્યતા છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ છુટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે જ્યારે 16 થી 19 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા બાદ વરસાદ વરસશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ જોવા મળશે.