અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર ગત રોજ મોડી રાત્રે બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. જ્યારે હવે આ અકસ્માત બાબતમાં પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને સંપૂર્ણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શ કરવામાં આવ્યું હતું. આ સિવાય ત્યાં બંને આરોપીઓ પાસે માફી મંગાવવાની સાથે ઉઠકબેઠક પણ પોલીસ દ્વારા કરાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર ગઈ કાલ રાત્રીના થયેલ અકસ્માતમાં જેગુઆર કારચાલક તથ્ય પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરી કરવામાં આવી છે. જ્યારે હાલમાં તેને એસજી-2 પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે.
તેની સાથે અકસ્માત મામલે FSLની તપાસમાં મોટી જાણકારી પણ સામે આવી છે. જેમાં જાણકારી મળી છે કે, તથ્ય પટેલની કાર 160 કિમી પ્રતિ કલાકની ફૂલઝડપે જઈ રહી હતી. ત્યારે પોલીસ દ્વારા પણ તથ્ય પટેલની કસ્ટડી મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જેગુઆર કારમાં સવાર તમામ લોકોની મેડિકલ તપાસ કરાશે. જ્યારે કારમાં સવાર તમામ લોકો દ્વારા નશો કરવામાં આવ્યો છે કે, નહીં તેને લઈને પણ તપાસ કરાશે.
ગઈ કાલના ઇસ્કોન બ્રીજ અકસ્માત સર્જાતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યાર બાદ ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ટોળાને અડફેટે લેવામાં આવતા અનેક લોકો કચડાઈ ગયા હતા. તેના લીધે નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ કરુણ મોત નીપજ્યું હતું.