ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કોની પર વિશ્વાસ કરવો એ પણ એક મોટો સવાલ ઉભો થતો હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં ધર્મના બનાયેલ બેન સહિત ત્રણ લોકોએ સગીરાનું અપહરણ કરી તેને વેચવા જઇ રહ્યા હતા. જો કે, પોલીસે આ પહેલા જ સગીરાને બચાવી લીધી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતા પિતાએ કણભા પોલીસ સ્ટેશનમાં ગત 13મે ના રોજ પોતાની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધવી હતી. જેમાં તેમણે લખાવ્યું હતું કે, મૂળ માણસા તાલુકાના એવા અશોક પટેલ તેની પત્ની હેતલ પટેલ તેમજ ધર્મની બનાવેલ બહેન રૂપાલ તેમની 13 વર્ષ અને 9 મહિનાની સગીર વયની માસુમ દીકરીને કપડા લઇ આપવાના બહાને અપહરણ કરીને લઇ ગયા હતા.ફરિયાદને ગંભીરતાથી લઈ કણભા પોલીસે એક ટીમ બનાવીને આ કેસની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને બાતમી મળી કે તમામ આરોપીઓ સગીરાને લઈને માણસા પાસેના બોરૂ નામના ગામના એક ખેતરમાં રોકાયા છે. કણભા પોલીસે બાતમીના આધારે ત્યાં છેલ્લા બે દિવસથી રેડ કરતાં ત્યાંથી આરોપીઓ સહિત પીડિત સગીરા ત્યાંથી મળી આવ્યા હતા.
નોંધનીય છે કે, પોલીસે જ્યારે આરોપીને ઝડપી પાડવા માટે રૂમ ખોલ્યો તો આરોપી અશોક પટેલ તે દરમિયાન સગીરા પર બળાત્કાર કરી રહ્યો હતો. પોલીસ આવી જતા જ સગીરા તરત જ અશોક પટેલથી દૂર થઈને પોલીસને બાથ ભીડીને રડી પડી હતી. ત્યારે કણભા પોલીસે હાલ તો અશોક સહિતના આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર તેમજ બળાત્કારની મદદ સહીતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.