ગંભીર સ્થિતિ: અમદાવાદમાં 140 કેસ વધતા આંકડો 1002 પર પહોંચ્યો, ગુજરાતમાં કુલ 1604 કેસ
રાજ્યમાં 12 કલાકમાં જ નવા 228 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે,વધુ 5 લોકોના મોત થયા છે. મહત્વની વાત એ છે કે અમદાવાદ ઉપરાંત છેલ્લા 12 કલાકમાં સુરતમાં કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા મુજબ એકલા અમદાવાદમાં 12 કલાકમાં 140 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં 15 જ એવા કેસ છે કે જેમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. સુરતમાં વધુ 67 કેસ નોંધાયા છે. રાજ્યમાં વડોદરામાં 8, રાજકોટમાં 5, આણંદમાં 1, બનાસકાંઠામાં 2, બોટાદમાં 1, ભાવનગરમાં-છોટાઉદેપુરમાં 1-1, મહેસાણામાં 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કુલ કેસનો આંકડો 1604 થઈ ગયો છે.94 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે અને અત્યાર સુધીમાં કુલ 58 લોકોનાં મોત થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 28,212 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે જેમાં 1604 લોકો પોઝિટિવ આવ્યા છે. 5 મૃતકોમાં અમદાવાદના 4 અને સુરતના એક દર્દીનો સમાવેશ થાય છે.દર 10 લાખની વસ્તી પર ગુજરાતમાં પોઝિટિવ કેસનું પ્રમાણ 19.3 છે.
અમદાવાદમાં કોરોના ના પોઝિટિવ કેસમાં પોલીસકર્મીઓ પણ બચી નથી શક્યા.16 જેટલા પોલીસકર્મીના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી કેટલાકને SVP અને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં તો કુલ કેસનો આંકડો 1002 પર પહોંચ્યો છે જેમાંથી 29ના મોત થયા છે. અમદાવાદ પછી હવે સુરતમાં પણ મોટાપાયે ટેસ્ટ શરુ કરતા કેસ વધી રહયા છે.