AhmedabadGujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું અત્યાર સુધીનું સૌથી મોટું દાન… બહેનની ઈચ્છા પૂરી કરવા યુએસ થી ભાઈએ આવીને કર્યું આ કામ

અમદાવાદ સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીનું સૌથી મોટું દાન મળ્યું. તાજેતરમાં જ નરેન્દ્ર ભાઈ નામના એક વ્યક્તિ અમેરિકાથી આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં 75 લાખનું ઐતિહાસિક દાન કર્યું છે. આ દાન તેમણે પોતાની બહેન ઉર્વશી ની ઈચ્છા પૂરી કરવા કર્યું છે.

નડિયાદના પી જ ગામના વતની ઉર્વશીબેનની છેલ્લી ઈચ્છા હતી કે તેની મિલકતનું દાન મંદિરમાં કે ધાર્મિક કાર્યને બદલે લોકોને સીધી રીતે ઉપયોગી થાય તે પ્રકારે કરવામાં આવે. તેમને એક ગંભીર બીમારી હતી અને તેમને ખબર હતી કે તેમનું મૃત્યુ નજીક છે. તેથી તેમણે આ પ્રકારની વિલ બનાવડાવી હતી. તેના મૃત્યુ પછી તેના ભાઈ નરેન્દ્ર ભાઈ યુએસ થી ભારત આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં લોકોને ઉપયોગી થાય તે આશયથી 75 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

નરેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે તેમની બહેન ઉર્વશી બેને આખું જીવન લોકોને ઉપયોગી થાય તેવા જ કાર્યો કર્યા છે. તેમણે આખું જીવન પાઈ પાઈ ભેગી કરી હતી. તેઓ સાડીની દુકાન ચલાવતા હતા. તેઓ આત્મ નિર્ભરતામાં માનતા હતા તેથી તેઓ પગભર રહેલા. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમનું નિદાન થયું. તેમણે જિંદગીના છેલ્લા દિવસોમાં નક્કી કર્યું કે તેમની જમા પૂંજીને લોકકલ્યાણના કામોમાં વાપરવામાં આવે. તેથી તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલની પસંદગી કરી. 75 લાખના દાનમાંથી હોસ્પિટલમાં જરૂરી સાધન સામગ્રી ઉપકરણ બોર્ડમાં જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.