AhmedabadGujarat

અઢી ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટી ની પોલ ખુલી : અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ 4 ફૂટ પાણીમાં; મીઠાખળી સહિત 5 અંડરપાસ બંધ કરવા પડ્યા

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં અમદાવાદમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસ્યો છે. અમદાવાદમાં ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી, ચાંદલોડિયા, ગોતા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસ્યો છે.

અમદાવાદમાં વરસાદી માહોલ બનતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એવામાં જાણકારી સામે આવી છે કે, ભારે વરસાદના લીધે અમદાવાદમાં ચાર અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદી માહોલના લીધે અખબારનગર, મીઠાખળી, પરિમલ, મકરબા અને શાહીબાગ અંડરપાસ બંધ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પોલ ફરી ખુલી ગઈ છે. પ્રિમોન્સૂનની કામગીરીની વાતો વચ્ચે શહેરના પોશ વિસ્તાર ગણવામાં આવતા પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, આનંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. કામગીરીના ભાગ સ્વરૂપમાં ઉત્તરપશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓ દ્વારા બે વખત અને ત્રણ વખત કેચપીટ સાફ કરવામાં આવી હોવાના દાવા કરાયા હતા. પરંતુ જે રીતે પાણીનો ઝડપથી નિકાલ થવો જોઈએ, તેવો પાણીનો નિકાલ થયેલ નથી. તેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તેની સાથે અમદાવાદમાં હજુ પણ ભારે અતિ ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા રહેલી છે. સમગ્ર એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણી ભરાયા છે. તેના લીધે અનેક વાહનો ફસાઈ ગયા છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં થોડા જ કલાકમાં 6 થી 7 જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 7 થી 8 વાગ્યાના સમયગાળામાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે. આ સિવાય અમદાવાદના પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં વરસાદે હાહાકાર સર્જ્યો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જ્યારે નહેરુનગર, જોધપુર, સેટેલાઈટ, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેના લીધે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદમાં વરસાદના લીધે ટ્રાફિકજામ સર્જાયો છે.