SaurashtraGujaratRajkot

અમદાવાદ : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની જાણો કેમ પોલીસે કરી અટકાયત…

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ના વિરોધ વચ્ચે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવેલા છે. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, અમદાવાદ બોપલ વિસ્તારમાં મહિપાલસિંહ મકરાણાની પોલીસે અટકાયત કરી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જોહર કરવાની ચિમકી આપનાર મહિલાઓને મળવા જઈ રહ્યા હતા. તે સમયે પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ હતી. મહિપાલસિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે, “હું કોઇનાથી ડરતો નથી, મારી અનેક વખત અટકાયત કરાઈ છે.”

જાણકારી મુજબ, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અમદાવાદના બોપલ વિસ્તારમાં જોહર કરવાની ચિમકી ઉચ્ચારનાર પાંચ ક્ષત્રિયાણી મહિલાઓને મળવા માટે આવ્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા મહિપાલસિંહ મકરાણા મળવા પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. ક્ષત્રિયાણી મહિલાઓને ઘરમાં નજરકેદ કરી દેવાયા છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની વાત કરીએ તે ગુજરાતની મુલાકાતે આવેલા છે. મહિપાલસિંહ ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં આગેવાનો સાથે બેઠક કરશે અને રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

તમને જણાવી દઈએ કે, મહિપાલ સિંહ મકરાણા દ્વારા ગઈકાલના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને  જણાવવામાં આવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા જે ભાજપના રાજકોટમાં સાંસદના ઉમેદવાર રહેલ છે તેમના દ્વારા અમારી બહેન-દીકરીઓ વિરૂદ્ધ ક્ષત્રિયાણીઓ વિરૂદ્ધ જેમણે પોતાનું માન-સમ્માન બચાવવા માટે જોહર કરી લીધુ, ગરદનો કપાવી લીધી તે ક્ષત્રિયાણીઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે. ભાજપ દ્વારા તેમ છતાં પણ તેમની ટિકિટ કપાતી નથી, આ તમારી અને અમારી માટે કમજોરી રહેલી છે. આ જમ્મુથી કન્યા કુમારીના ક્ષત્રિયો માટે શરમની વાત રહેલ છે. હું તમને બધાને કહેવા ઈચ્છું છું કે, હું ગુજરાત આવી રહ્યો છું અને આપણે સાથે મળીને આગળની રણનીતિ બનાવીશું. ગુજરાત આવીને ગુજરાતની ધરતી પર નક્કી કરીને જઇશું કે, ફરીથી કોઇ વ્યક્તિ અમારી બહેન-દીકરીઓ વિશે કઇ પણ બોલી ના શકે.”