અમદાવાદ: નંબર પ્લેટ ન હોવાથી પોલીસે 90 લાખની સ્પોર્ટ કાર ડિટેઇન કરી, પછી શું થયું જાણો
ગત પહેલી તારીખથી ગુજરાતમાં પણ ટ્રાફિકના નવા નિયમો લાગુ થઇ ગયા છે અને ટ્રાફિક પોલીસે લોકોને દંડવાનું પણ વધારી દીધું છે.પોલીસ વિભાગ HSRP નંબર પ્લેટ અને હેલ્મેટ માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી રહી છે ત્યારે બુધવારે સાંજે અમદાવાદના પોશ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.
શહેરના સિંધુ ભવન રોડ પર પોલીસની આ ડ્રાઈવમાં અનેક વાહનચાલકો અલગ અલગ નિયમોના ભંગ બદલ દંડાયા હતા પણ પોલિસે એક વૈભવી સ્પોર્ટ કાર ડિટેઇન કરીને સૌને ચોંકાવી દીધા હતા.
સિંધુભવન રોડ પર અમદાવાદ ટ્રાફિક પોલીસે સ્પોર્ટ કાર ફોર્ડ મસ્ટાંગ GTને રોકી હતી. ટ્રાફિક પોલીસને માલૂમ પડ્યું હતું કે કારચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ્ નહોતા ઉપરાંત કારમાં નંબર પ્લેટ પણ નહોતી. બાદમાં ટ્રાફિક પોલીસે કારને ડિટેઈન કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ કારચાલકને અધધ 30000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.જો કે દંડને લઈને પોલીસે કોઈ વિગત જાહેર કરી નથી.
અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં આ તસવીરો શેર કરીને લખ્યું હતું કે, નંબર પ્લેટ નહીં + ડોક્યુમેન્ટ નહીં = ડિટેઇન.આ ઉપરાંત કેટલાકને લાયસન્સ અને પીયૂસી ન હોય તો પણ મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો.ઘણા મોટા માથાઓને પણ દંડ ફટકારવામાં આવતા પોલીસ વિભાગના લોકો વખાણ પણ કરી રહ્યા છે.