અંબાજી મંદિરમાં ઘી સપ્લાય કરનાર અમદાવાદના વેપારીએ આપઘાત કર્યો, અગાઉ ભેળસેળયુક્ત ઘી મામલે ધરપકડ થઈ હતી

ગુજરાતના પ્રસિદ્ધ મંદિરમાં ઘી ના સપ્લાયને લઈને તાજેતરમાં વિવાદો થયા હતા. ઘી હલકી ગુણવત્તાનું હતું જે બાબતે અનેક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી સપ્લાય કરવામાં આવતું હતું અને હવે તે વેપારીએ આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે.

આ ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ઘરે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. કોઈ સુસાઈડ નોટ મળી નથી પણ દબાણ ના કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ વેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પરિવારે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

નીલકંઠ ટ્રેડર્સના વેપારી 47 વર્ષીય જતીન શાહ ઈસનપુર પાસે આવેલી સૌજન્ય સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. સવારે 10 વાગ્યે તેમની પત્ની જગાડવા તેના રૂમમાં ગઈ ત્યારે જાણ થઈ કે તેમણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.