ગુજરાતમાં કોરોના ના 7 કેસ: સુરત, અમદાવાદમાં કલમ 144 લાગુ, પોલીસે બજાર બંધ કરાવ્યા

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે હવે ગુજરાતમાં પણ એન્ટ્રી કરી છે. ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે.કાલે કોરોના ના કેસ ની સંખ્યા 3 હતી જે આજે 7 થઇ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વડોદરાના બે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી અને બીજી મહિલા ફિનલેન્ડથી અને યુવક લંડનથી આવ્યો હતો.વડોદરામાં યુવાન સ્પેનથી આવ્યો હતો તેનો કેસ પોઝિટિવ આવ્યો હતો.

રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ જાહેરાત કરાઈ છે. આરોગ્ય કમિશનર સુશ્રી જયંતિ રવિએ કહ્યું હતું કે ગુજરાતમાં જે કોરોના પોઝિટિવ કેસ છે તે બધા વિદેશથી આવેલ વ્યક્તિના છે. જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે એ જોતા સાવચેતીના ભાગરૂપે ગુજરાતના શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

સુરતમાં ડુમસ અને સુંવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.સુરતમાં પોલીસે કેટલાક બજારો પણ બંધ કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ કોરોના નો એક કેસ સામે આવ્યો છે જેથી તંત્ર હાલ સતર્ક છે.

હાલમાં જ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા એ જાહેરનામું બહાર પાડીને અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરી છે.જાહેરનામા માં ઉલ્લેખ કરાયો છે કે વિશ્વમાં નોવેલ કરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મહામારી જાહેર કરેલ છે.ભારતમાં પણ 200 થી વધારે કેસો સામે આવ્યા છે.તેમજ હાલમાં અમદાવાદ ખાતે 2 શંકાસ્પદ કેસ પ્રકાશમાં આવેલ છે.અમદાવદ શહેર ભીડભાડવાળું હોય લોકોની સુરક્ષાને ધ્યાનમાં લેતા પ્રતિબંધો ફરમાવવાની જરૂર છે.