અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોર બાબતમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા AMC દ્વારા ઢોર અંકુશ પોલીસીને મંજૂરી આપી દેવાઈ છે. જ્યારે આ અગાઉ આ પોલીસીને ના મંજૂર કરવામાં આવી હતી. એવામાં આજે સુધારા વધારા સાથે ઢોર અંકુશ પોલીસીને AMC દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ મામલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેષ બારોટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટની ગાઈડ લાઈન અનુસાર આજે સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ઢોર નિયંત્રણ કાયદાને લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ પશુપાલક દ્વારા પોતાના પશુ રાખવા માટે પોતાની નિર્ધારિત જે જગ્યા નક્કી કરી છે જગ્યા પર કેટલા ઢોર રાખી શકે છે. તે જગ્યાને નિર્ધારિત કરાવવી પડશે. તેના માટે લાયસન્સ ફી 2000 કમિટીમાં કમિશ્નર દ્વારા નક્કી કરાઈ હતી. પરંતુ તેની જગ્યાએ લાયસન્સ ફી રૂા. 500 તેમજ રીન્યુઅલ ફી રૂા. 250 કરવામાં આવી છે. આ અગાઉ જે દંડની વ્યવસ્થા કરવામાં આવી હતી તે મુજબ રાખવામાં આવેલ છે.
તેની સાથે અત્યાર સુધી લાયસન્સ ફી ત્રણ વર્ષ માટે લેવાતી હતી. જેમાં પહેલા 2000 રૂ. લાયસન્સ ફી નક્કી કરાઈ હતી. જેમાં સુધારો કરીને 500 રૂા. લાયસન્સ ફી નક્કી કરવામાં આવી છે. જે લોકો પ્રાઈવેટ ટ્રસ્ટ્રમાં પોતાના પશુઓ રાખી રહ્યા છે તેમની જ નોંધણી કરાશે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ કાયદા મુજબ પશુપાલક સાથે વ્યવહાર કરાશે. ત્યારે આ પોલીસી 90 દિવસમાં અમલમાં લાવવામાં આવશે. આ સિવાય કોઈ પણ પશુ વધુમાં વધુ વખત પકડાશે તે મુજબ દંડ પણ વધશે.