ગુજરાતમાં આમ આદમી પાર્ટી અનેક મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ આ બધી પરિસ્થિતિ વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ પોતાના ફાયરબ્રાન્ડ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને મહત્વપૂર્ણ જવાબદારી સાથે રાજ્યમાં પરત આવવા આદેશ કર્યો છે. રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયાને પાર્ટીએ આ ચૂંટણીના ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે. ચાલુ વર્ષે રાજ્યની અનેક ગ્રામપંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાર્ટીએ ફરી એકવાર ગોપાલ કતળિયા પર વિશ્વાસ મૂકીને તેમને આ ચૂંટણીના પ્રભારી તરીકે નિમણૂક કરી છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી. અને ચૂંટણી પછી પાર્ટીના સંગઠનમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ તેમજ ગોપાલ ઇટાલિયાને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવ્યા હતા.
નોંધનીય છે કે, ઇસુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પાર્ટી અનેક સમસ્યાઓથી ઘેરાઈ ગઈ છે. સુરતમાં મહાનગર પાલિકાના અનેક કોર્પોરેટરોએ પાર્ટી છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરતા aap પાસે હવે માત્ર 15 કોર્પોરેટર જ બચ્યા છે. બીજી બાજુ વિદ્યાર્થી નેતા તેમજ AAPના નેતા યુવરાજસિંહ જાડેજા પણ ડમી કાંડ કેસમાં હાલ પોલિસ કસ્ટડીમાં છે. તો આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી વિરુદ્ધ પણ સાઉબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. આમ પાર્ટી આ બધી સમસ્યાઓથી ઘેરાયેલી છે ત્યારે પાર્ટીએ ફરી એક વખત ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂકીને ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે.