રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી નાના બાળકોને એટેક આવવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. એવામાં આજે સમાચાર કડી તાલુકાના કુંડાળ ગામથી સામે આવ્યા છે. જેમાં ૧૮ વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિરમગામના ચણોઠિયાવાળા ગામના અને હાલમાં કડી નગરપાલિકાના સામે આવેલી જય રણછોડ સોસાયટીમાં રહેનાર ૧૮ વર્ષીય યુવકનું મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે મિસ્ત્રી કામ કરી પરિવારનું ભરણપોષણ કરનાર અશોકભાઈ મિસ્ત્રીના 18 વર્ષીય એકના એક દીકરા નું કરુણ મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. અશોકભાઈ પરિવાર સાથે લગ્નપ્રસંગમાં અમદાવાદ આવેલા હતા અને તેમનો દીકરો સંકેત થોડા સમય માટે જ રોકાયો હતો. સંકેત મેઘના કેમ્પસમાં આવેલા મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. મંગળવારના રોજ સવારે તે કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયેલો હતો અને પેપર આપીને સાંજના સમયે ઘરે પરત આવી રહ્યો હતો. તે ઘરે આવીને મિત્રો સાથે સોસાયટીના કોમન પ્લોટમાં બાંકડા ઉપર બેઠેલો હતો તે સમયે તેનું હાર્ટ એટેક ના લીધે મૃત્યુ નીપજ્યું હતું.
આ બાબતમાં સંકેતના પિતા અશોકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે અમદાવાદ હતા અને તેનો ફોન આવ્યો હતો અને તે ઘરે રહેલો હતો. જમવાનું અમને પૂછ્યું હતું, પરંતુ અમે જણાવ્યું હતું કે, અમને મોડું થાય એવું છે તું જમી લેજે. એવામાં થોડા સમય પછી સોસાયટીમાં રહેનાર તેનો મિત્ર તેને બોલાવવા માટે આવ્યો હતો અને તે મિત્રો સાથે સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા બાંકડા ઉપર બેઠેલો હતો. બંને મિત્રો વાતચીત કરતા હતા અને એકાએક સંકેત નું માથું તેના મિત્રના ખભા ઉપર ઢળી પડ્યું હતું. તેના લીધે તેનો મિત્ર ભયભીત થઈ ગયો હતો અને સ્થાનિક લોકોને તેના દ્વારા બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સંકેતને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યારે તબીબો દ્વારા તેને સારવાર આપવામાં આવી હતી પરંતુ સંકેતનો જીવ ચાલ્યો ગયો હતો. એવામાં એકના એક દીકરાના મૃત્યુ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.