GujaratAhmedabad

કારીગરને બંધક બનાવી કારખાનાના માલિકે કર્યું એવું કૃત્ય કે…

અમદાવાદ શહેરના ઠક્કરનગર વિસ્તારમાં હીરાના એક કારીગરની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. હીરાનો કારીગર કારખાનમાંથી 5 હીરા લઈને ચા પીવા ગયો તે દરમિયાન કારખાના માલિક તેમજ મેનેજરે તેને ખૂબ માર મારીને તેની હત્યા કરી નાંખી છે. આ હત્યાનો ગુનો નોંધી હાલ તો કૃષ્ણનગર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઠક્કરનગર વિસ્તારમાં આવેલ વિહાણ કોમ્પ્લેક્સમાં હીરાના એક કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા 45 વર્ષની ઉંમરના હરેશભાઈ ભાલીયા નામના વ્યક્તિની હીરાના કારખાનાના માલિક ધર્મેશ મોરડીયા તેમજ કારખાનાના માલિક મેનેજર મુકેશ વઘાસિયા અને વિજય ગજ્જરે તેને બંધક બનાવીને લાકડીઓથી ઢોર માર મારી હીરા ઘસવાનું કામ કરતા હરેશભાઈની હત્યા કરી છે. કારખાનમાંથી હીરાના પાંચ નંગ ના મળતા આરોપીઓને હરેશભાઈ પર શંકા ગઈ હતી. જેને લઈને આ આરોપીઓએ હરેશભાઈને બંધક બનાવીને ઢોર માર મારી તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. લાકડીઓના મારથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હેરેશભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવનાર મુખ્ય વ્યક્તિની હત્યા થઈ જતા પરિવારમાં આક્રોશ વધ્યો છે. અને હત્યા કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે, નિકોલ વિસ્તારના ચાણક્ય પાર્ક સોસાયટીમાં વસવાટ કરતા અને મૂળ અમરેલીના એવા હરેશભાઈ ભાલીયા છેલ્લા 15 વર્ષથી હીરા ઘસવાના કારીગર છે. અમદાવાદ શહેરના અલગ અલગ કારખાનામાં હીરાના મથાળાના કારીગર તરીકે તેઓ હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક 20 દિવસ અગાઉ જ ઠક્કરનગર વિસ્તારમાં ધર્મેશભાઈ મોરડીયાના હીરાના કારખાનામાં જોડાયા હતા. હરેશભાઈ ચા પીવા ગયા ત્યારે તેઓએ તેમની પાસે થયેલા પાંચ જેટલા હીરાના નંગ ધર્મેશભાઈને જમા કરાવ્યાં નહતા. તેથી હીરાની ગણતરીમાં 5 હીરાના નંગની ઘટ આવતા કારખાનાના માલિકે હરેશભાઇ પર શંકા રાખીને હરેશભાઈને બોલાવ્યા અને તેમની વાત સાંભળ્યા વિના જ હરેશભાઈને બંધક બનાવી ત્રણેય આરોપીઓએ તેમને લાકડીઓથી ઢોર માર માર્યો જેને લઈને હરેશભાઇનું મોત નીપજ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.