રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં આવેલા સરકારી કોટેજ હોસ્પિટલના કર્મચારી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સિવાય તેમના દ્વારા સુસાઈડ નોટ પણ લખવામાં આવી હતી.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલના ક્ષય રોગ વિભાગમાં ફરજ બજાવનાર કર્મચારી મનોજ પટેલ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. તેના લીધે ચકચાર મચી ગયો છે. સવારના સરકારી જનરલ હોસ્પિટલમાં મનોજ પટેલ ફરજ પર આવ્યા બાદ અચાનક નોકરી પરથી ચાલ્યા ગયા અને ત્યાર બાદ એક ખેતરમાંથી મનોજ પટેલનો મૃતદેહ પ્રાપ્ત થયો હતો.
જયારે મનોજ પટેલના મૃતદેહ જોઈને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે પોલીસને ઘટનાની જાણ મળતા લુણાવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો એક્ટિવામાંથી એક સુસાઇડ નોટ પ્રાપ્ત થઈ હતી. પોલીસ દ્વારા મૃતદેહ પર કબજો મેળવી લુણાવાડા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દીધો હતો.
તેની સાથે સુસાઇડ નોટમાં મનોજ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં ત્રાસ આપતા હોવાનો સુસાઈડ નોટમાં તેમને ઉલ્લેખ કર્યો છે. જ્યારે સુસાઇડ નોટમાં જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવનાર ધર્મેન્દ્ર ચૌહાણ અને મયુર સોનીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.