GujaratJamnagarSaurashtra

પોલીસ સ્ટેશનથી માત્ર થોડે જ દૂર ઘટી એવી ઘટના કે…

જામનગર જિલ્લા ખાતેના જોડિયા પંથકમાં પોલીસ સ્ટેશનની પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેથી રૂપિયા 17 લાખથી પણ વધુની કિંમતના જીરાના જથ્થાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાના જોડિયા નામના તાલુકા ખાતે આવેલ બાદનપર નામના ગામના મગનભાઈ નાગજીભાઈ પટેલ 275 મણ જીરાની ખરીદી કરવા ઊંઝા પહોંચ્યા હતા. આ જીરાની ખરીદીને તેઓ તેનું વેચાણ કરવા ઊંઝા જવાના હતા. પરંતુ મગનભાઈ જતી વખતે તેમણે જીરાના જથ્થા સાથેની ગાડી જોડિયા પાસે આવેલા એક પેટ્રોલ પંપ પાસે ઉભી રાખી હતી. ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ મગણભાઈની ગાડીમાં રહેલ જીરાના જથ્થાને તેમના ટ્રકમાં ભરીને ભરીને લઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે ઘટેલી આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. રાત્રે ત્રણથી ચાર વાગ્યાની આસપાસના સમયમાં આ ઘટના ઘટી છે. જોડિયા પોલીસ સ્ટેશનથી એક દમ નજીકમાં જ જીરાના જણસની ચોરી થતા પેટ્રોલિંગને લઈને પણ હાલ તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

નોંધનીય છે કે, એક બાજુ ખેડૂતો જણસીના ભાવને લઈને પોતાની જણસ વેચવા માટે બીજા જિલ્લાઓમાં જતો હોય છે. તેવા સમયે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પોલીસ સ્ટેશનથી એકદમ નજીકના વિસ્તારમાં 17 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતનો 275 મણ જીરાનો જથ્થો સરાજાહેર રોડ ઉપરથી ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં આશ્ચર્ય ફેલાયું છે.