અમદાવાદ શહેરથી હત્યાનો ગુનો સામે આવ્યો છે. અમદાવાદના સરસપુરમાં બાળકો રમવાની બાબતમાં એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાળકોના રમવા બાબતમાં મારામારી થતા વૃદ્ધાને ઈજા પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યારે વૃદ્ધાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હાલમાં આ મામલામાં શહેરકોટડા પોલીસ દ્વારા વૃદ્ધાની હત્યા કરનાર મહિલા અને તેના દિયરની ધરપકડ કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબહેન હોસ્પિટલની બાજુમાં મંગલ પ્રભાત સોસાયટી ૬૪ વર્ષીય સવિતાબહેનની ગઈ કાલ મોડી રાત્રીના હત્યા કરવામાં આવી છે. આ મામલામાં સવિતાબહેનનાં પુત્રવધૂ ક્રિષ્નાબહેન દ્વારા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં કૃણાલ અને તેની ભાભી અંજલી વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પોલીસ જાણકારી મુજબ, ગઇ કાલ મોડી રાત્રીના શહેરમાં વરસાદ વરસ્યો હોવાના લીધે મંગલ પ્રભાત સોસાયટીમાં બાળકો વરસાદી માહોલની મજા માણી રહ્યા હતાં. બાળકોમાં રમતાં રમતાં ઝઘડો થયો હતો તેના લીધે બે પરિવાર વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. કૃણાલનો પરિવાર સામ-સામે આવી ગયા અને પહેલા તો એકબીજાને ગાળો બોલવાનું શરૂ કરી નાખ્યું હતું. ત્યાર બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો વળતા સ્થાનિક લોકો દ્વારા સમાધાન કરાવી મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો. પરંતુ સમાધાન થઇ ગયા બાદ પણ બંને પરિવારો સામ-સામે આવી ગયા અને મારામારી કરવા લાગા હતા. બંને પરિવારો વચ્ચે થયેલી મારામારી કરતા સવિતાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે આ મારામારી દરમિયાન કૃણાલ અને તેની ભાભી અંજલી દ્વારા સવિતાબહેનને માર મારવામાં આવ્યો હતો. તેના લીધે તે જમીન પર ઢળી પડ્યા હતા. બે પરિવારો વચ્ચે થયેલી મારામારી જોતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત સવિતાબહેનને તાત્કાલિક સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સવિતાબહેનને ટૂંકી સારવાર બાદ તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. સવિતાબહેનના મોતની જાણકારી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા હાલમાં સવિતાબહેનની હત્યા કરનાર મહિલા અને તેના દિયરની ધરપકડ કરી લેવામાં આવી છે.