AhmedabadGujarat

મદદ કરવાના બહાને ATM નો પાસવર્ડ જાણીને છેતરપિંડી આચરતી ગેંગને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી કાઢી

છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાના તારાપુર પેટલાદ તેમજ આંકલાવના અલગ અલગ વિસ્તારોમાંથી એટીએમ કાર્ડ બદલી કાઢીને લોકો સાથે છેતરપિંડી આચરી હોવાના ગુનામાં વધારો થવા લાગ્યો હતો. ત્યારે જે તે પોલીસ મથકે આ અંગે ગુનો નોંધીને તપાસ કરવામાં આવતી હતી. ત્યારપછી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ગુનાઓની તપાસ હાથ ધરી હતી. ત્યારે હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તેમજ અનેક સ્થળોના ATMમાં લાગેલા સીસીટીવી કેમેરાના વીડિયો ફૂટેજના આધારે વધુ તપાસ કરતા ચાર સંદિગ્ધ ઈસમો પોલીસની નજરમાં હતાં. તેમજ ATM પાસે એક શંકાસ્પદ કાર પણ દેખાઈ આવી હતી. તે દરમિયાન પોલોસને બાતમી મળી કે આણંદ લોટીયા ભાગોળ વ્યાયામ શાળા નજીક તળાવ પાસે એક શંકાસ્પદ સ્વીફટ ગાડી ઉભી રહી છે. જેથી પોલીસે બાતમીના આધારે ત્યાં પહોંચીને સ્વીફ્ટ ગાડીને રોકીને ગાડીમાં તપાસ કરી હતી. જેમાંથી અલગ અલગ બેંકોના કુલ 48 જેટલા એટીએમ કાર્ડ નંગ, 6 મોબાઈલ, પી.ઓ.એસ મશીન તેમજ રોકડ રૂપિયા પોલીસને મળી આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ગાડીમાંથી 48 જેટલા ATM કાર્ડ,મોબાઈલ અને રોકડ રકમ મળી આવતા પોલીસે ઞાડીમાં સવાર થઈને જઈ રહેલા ચારેય ઈસમોની પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછમાં ચારેય ઇસમોના નામ પંકજકુમાર ઉર્ફે પિન્ટુ સત્યદેવસિંહ લેખરાજસિહ ચૌહાણ, અંકિતકુમાર કિરણપાલ સિંહ ચૌધરી, જગદીશ સિંહ પાલર્સિંગ જાદવ રાજપુત તથા અમિતકુમાર રમેશચંદ્ર જાટ કૈલાશકુમાર હોવાનું જણાવ્યું હતું. આ ચારેય ઈસમો મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે. ગાડીમાંથી મળી આવેલી અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ અંગે પોલીસે આ ચારેય ઇસમો સાથે પૂછપરછ કરી તો તેમની પાસે કોઈ જવાબ નહતો. ત્યારે પોલીસે ગાડીમાંથી મળી આવેલ 48 જેટલા એટીએમ કાર્ડ, 6 મોબાઈલ, પી.ઓ.એસ મશીન, રોકડ રકમ તથા સ્વીફટ ગાડી એમ કુલ મળીને 5, 47,220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ચારેય ઇસમોની અટકાયત કરી હતી.

નોંધનીય છે કે, ચારેય ઇસમોની અટકાયત કર્યા પછી પોલીસે કડકાઈથી પુછપરછ કરતાં ચારેય ઈસમોએ પોતાનો ગુનો કબુલ્યો હતો. અને જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યમાં રાજ્યમાં જઈને પૈસા ઉપાડવા માટે ATM મશીને આવનાર વ્યક્તિઓના એટીએમ કાર્ડ બદલી કાઢતા હતા અને મદદ કરવાના બહાને તેઓ તેમના એટીએમ કાર્ડનો પાસવર્ડ પણ જાણી લેતા હતા. અને પછી તેમના ATMમાંથી પૈસા ઉપાડી લેતાં હતા. આ ચારેય ઈસમોએ અત્યાર સુધી 50 થી પણ વધુ લોકોના ATM કાર્ડ બદલીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.