લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એવામાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આજે બપોરના 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવાનું કહેવામાં આવ્યું હતું. રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. ત્યાર બાદ તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. તેના પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરી લેવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થઈ ગયા અને તે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. ત્યાર બાદ તેમને સાયબર ક્રાઈમ લઇ જવાયા હતા. એવામાં મામલામાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે.
જાણકારી મુજબ, ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે અને થોડીવારમાં રાજ શેખાવતને મુક્ત કરાશે. તેમ છતાં આગેવાનો દ્વારા પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા અપીલ કરવામાં આવી છે. આ અંગે સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ કૃત્યની હું નિંદા કરું છું અને હું ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે, આ કૃત્યમાં જે પોલીસકર્મી જવાબદાર રહેલ છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે. રાજ શેખાવતની અટકાયત કરાઈ છે તેને તાત્કાલિક મુક્ત કરી દેવામાં આવે તેવી હું વિનંતી કરૂ છું. અમારું આંદોલન ધીરજ અને શાંતિથી હાલ ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, સાયબર ક્રાઈમખાતે કરણી સેનાના કાર્યકરો ભેગા થવા લાગ્યા હતા. સાયબર ક્રાઈમની ઓફિસનો ગેટ બંધ કરી સુરક્ષા વધારી દેવાઈ છે. એરપોર્ટ પર રાજ શેખાવતની પાઘડી પોલીસકર્મીથી નિકળી જતા કરણીસેનાના કાર્યકરોમાં રોષ રહેલો છે. સાયબર ક્રાઈમ બહાર એકઠા થઈ પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાઘડીનું અપમાન થયાનું પણ જણાવવામાં આવ્યું હતું. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
તેની સાથે આ દરમિયાન એક કાર્યકર્તા જણાવવામાં આવ્યું હતું કે, જેની પાઘડી ઉછળી જાય તેનું જીવન સમાપ્ત, પોલીસ દ્વારા રાજ શેખાવતની પાઘડી ઉછાળવામાં આવી છે, હવે ક્ષત્રિય સમાજ દ્વારા તેનો જવાબ માંગવામાં આવશે. કરણીસેનાના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરતા 3 આગેવાનને સાયબર ક્રાઈમમાં રાજ શેખાવતને મળવા જવા દેવાયા હતા. કરણીસેનાના કાર્યકરોને પોલીસે સાયબર ક્રાઈમથી દૂર કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ બહારથી કરણીસેનાના આગેવાનો નીકળ્યા હતા. સ્થાનિક DCP, ACP, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સાયબર ક્રાઈમ આવી પહોંચ્યા હતા.
રાજ શેખાવતને મળીને આવેલા યશરાજસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે રાજ શેખાવતને મળીને આવેલ છીએ. તેઓ અંદર સલામત રહેલા છે. સાયબર ક્રાઈમમાં તેમને VIP સુવિધા અપાઈ રહી છે. પોલીસ દ્વારા તેમની સુરક્ષાના કારણથી તેમની અટકાયત કરવામાં આવી છે. તેમને અંદરથી સૂચના આપવામાં આવી છે કે, કોઈ આવેશમાં આવીને કોઈ ખોટું પગલું ભરવામાં આવ્યું નથી. આંદોલન શરૂઆતથી જ શાંતિથી ચાલી રહ્યું છે. જેથી શાંતિથી ચલાવવા સૂચના અપાઈ છે. અમે હવે અમારી કોર કમિટીની બેઠકમાં આ મામલામાં આગળ નિર્ણય લેશું.