માતા પિતા બહાર ગામ જતા જ પુત્રએ બારોબાર વેચી મારી જમીન અને પછી…
ઘણી વખત સંતાનો માતા પિતાની જાણ બહાર જ તેમની પ્રોપર્ટી વેચી મારતા હોય છે. અને પછી માતા-પિતા અને પુત્ર સામસામે આવી જતા હોય છે. આવું જ કંઈક વડોદરામાં સામે આવ્યું છે. જ્યાં માતા પિતા તેમની પુત્રીને મળવા કેનેડા ગયા હતા. તે દરમિયાન પુત્રએ બોગસ પાવર ઓફ એટર્ની કરીને જમીન વેચી મારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પિતાએ પોતાના જ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રકાન્ત નટવરભાઈ પટેલ તેમના પરિવાર સાથે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અંબે સ્કૂલ નજીક આવેલ સુંદરમ ફ્લેટમાં વસવાટ કરે છે. ચંદ્રકાંત નટવરભાઈ પટેલ, તેમની પત્ની, એક દીકરો અને બે દીકરીઓની સંયુક્ત માલિકીની વાઘોડિયા તાલુકાના તરસવા ગામે 14 વીઘા જેટલી જમીન તેમજ ખેરવાડી નામના ગામે 5 વીઘા જેટલી જમીન આવેલી છે. થોડા સમય પહેલા ચંદ્રકાન્તભાઈ અને તેમની પત્ની કેનેડા તેમની દીકરીના ઘરે ગયા હતા, તે દરમિયાન તેમને જાણવા મળ્યું કે ખેરવાડી અને તરસવામાં આવેલી તેમની બન્ને જમીનના બોગસ દસ્તાવેજ કરીને તેને વેચી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, આ મામલે ચંદ્રકાન્ત ભાઈએ વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમના દીકરા હર્ષે જ બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને પોતે ખોટી રીતે જમીન માલિક બની ગયો હતો. અને તેણે રોહિત ગોવિંદભાઈ માછીને તરસવા ગામની જમીન તેમજ સંજય રમણભાઈ ભરવાડને ખેરવાડી ગામની જમીન માતા પિતાની જાણ બહાર જ બારોબાર વેચી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, પુત્રએ બોગસ પાવર ઓફ એટર્ની કરીને જમીન વેચી નાખતા પિતાએ આ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પોતાના જ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.