કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તૈયાર કરવામાં આવેલ આરોગ્ય વન જેવું જ એક વન અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં બનશે. આ વન માનવ શરીરની આકૃતિના પ્રકારનું હશે. જેમાં ફૂલ છોડ તેમજ અનેક ઔષધીઓના છોડ અને વૃક્ષને ઉછેરવામાં આવશે. આ વન શીલજમાં આવેલા સૌથી મોટા તળાવની આજુબાજુ વિકસાવવામાં આવશે. આ આરોગ્ય વન 8 કરોડ રૂપિયા ખર્ચે આશરે 50 હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરવાની યોજના છે.
ઉલ્લેખનિય છે કે, આ વનમાં અશ્વગંધા, અર્જુન, અરડુસી, કરંજ તેમજ કરમદા સહિતની કુલ 32 જેટલા પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવશે. આ વનસ્પતિનો આયુર્વેદમાં ઔષધી તરીકે ઉપયોગ થતો હોય છે. લોકોને આરોગ્યને લઈને વનસ્પતિના ઉપયોગ માટે માહિતગાર કરવા તે જ આ વન બનાવવાનો હેતુ છે. આ સિવાય શીલજ ખાતેના તળાવ પાસે આકર્ષક ગેટ, ગીચ જંગલ,લોન ધરાવતો પ્લોટ, ચાલવા માટેનો ટ્રેક, ટોઈલેટ બ્લોક, યોગા પોઇન્ટ, ઓપન જિમ, વળકો માટે રમત ગમતના સાધનો તેમજ ફ્લાવર બેડ પણ હશે.
તમને જણાવી દઈએ કે, માનવ શરીરના વિવિધ અંગો માટે અત્યંત ઉપયોગી એવા આયુર્વેદિક રોપાનો આરોગ્ય વનમાં ઉછેર કરવામાં આવશે. આયુર્વેદમાં દર્શાવેલી ઔષધી આ વનમાં રાખવામાં આવશે.