AhmedabadGujarat

બાગેશ્વર બાબા પર લાગ્યો ગંભીર આરોપ, બાબાએ દવા બંધ કરાવતા બાળકની લથડી હાલત

બાગેશ્વર બાબા આગામી મહિને ગુજરાત આવી રહ્યા છે. 1 અને 2 જૂનના રોજ રાજકોટનાં રેસકોર્સમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. ત્યારે એ પહેલાં જ બાબાને લઈને એક પછી એક વિવાદ શરૂ થયા છે. સહકારી અગ્રણી પુરૂસોત્તમ પીપળીયાએ બાબાને ડ્રગ્સ ક્યાંથી આવે છે તેની માહિતી માયે પડકાર ફેંક્યા બાદ તેમને ધમકીઓ મળવાનું શરૂ થયું છે તેવું તેમણે જણાવ્યું હતું. ત્યારે હવે બાગેશ્વર બાબા પર બીજા એક પરિવારમાં બહેને પણ ગંભીર આરોપ મુકતા કહ્યું છે કે,બાબાનાં કહેવા અનુસાર પુત્રની દવા બંધ કરી દીધી જેથી ભાઈની તબિયત લથડી છે અને હાલ તે વેન્ટિલેટર ઉપર છે. જ્યારે તેના પિતા કહે છે કે, તેમની દીકરીને કઇ ખબર નથી, બાબાએ દવા બંધ કરવા માટે કહ્યું જ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીએ મીડિયાને જણાવ્યું કે, 2021થી યુવતીના 14 વર્ષીય ભાઈને આંચકી ઉપડતી હતી. 10 એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વરધામ ખાતે યુવતીના મમ્મી સહિતના યુવતીના ભાઈને લઈ ગયા હતા. જ્યાં બાબાએ યુવતીના ભાઈના માથે હાથ ફેરવીને દવાઓ બંધ કરી નાખવા અને પોતે આપેલ તેને લગાવવાનું જણાવ્યું હતું. જોકે, 5 મેનાં રોજ ઘરે પાછા આવ્યા પછી 6મેની સવારે ફરી એક વખત આંચકી ઉપાડતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો છેમ અને 13 દિવસ પછી હાલ તેની તબિયત લથડતા તે વેન્ટિલેટર ઉપર છે.

બીજીતરફ બાળકના પિતાએ મીડિયાને જણાવ્યું કે, બાળકને લઈને બાગેશ્વર ધામમાં લઇ જવા માટે થઈને એક મહિનાથી તેમની પત્ની જીદ કરતી હતી. જેથી બાળકને લઈને તેના પિતા, માતા અને બીજી દીકરી તેમજ એક કારીગર બાગેશ્વરધામ ખાતે ગયા હતા. બાબાએ દવા બંધ કરવા માટે કહ્યું જ નથી. ત્રણ મહિનાથી સરકારી હોસ્પિટલમાંથી દવા ન મળતા તેઓ ખાનગી દવા લાવે છે. પિતાએ વધુમાં કહ્યું કે, દીકરાને પહેલીવાર આંચકી ઉપડી નથી. આ પહેલા પણ બાળકને બે-બે વખત આંચકી ઉપડી ચુકી છે.

તમને જણાવી દઈએ કે, બાબા બાગેશ્વર આગામી મહિને ગુજરાતના રાજકોટમાં આવી રહ્યા છે. ત્યાં તેમનો દિવ્ય દરબાર ભરાવાનો છે. પરંતુ બાબા બાગેશ્વર ગુજરાત આવે તે પહેલા જ એક પછી એક વિવાદ થઈ રહ્યા છે.