અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોની મોતના જવાબદાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. ત્યારે તેમની જામીન અરજીને લઈ મહત્વની બાબત સામે આવી છે. જાણકારી અનુસાર પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. ત્યારે તેમના કેસની ચાર્જશીટ ફાઇલ ના થતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીને લઈને સુનાવણી થવા પર મુદ્દત પડી છે. જેથી હવે પ્રજ્ઞેશ પટેલને આગામી સુનાવણી સુધી જેલમાં જ રહેવું પડશે. 3 ઓગષ્ટના રોજ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર એક અઠવાડિયા પહેલા મોડી રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ અકસ્માતમાં આરોપી કાર ચાલક તથ્ય પટેલની અને ઘટનાસ્થળ પર આવીને લોકોને ધમકાવવા આરોપમાં પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલે જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ તેમના કેસની ચાર્જશીટ ફાઇલ ના થતા તેમણે હવે આગામી સુનાવણી સુધી જેલમાં જ રહેવું પડશે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ કારમાં તથ્ય પટેલની સાથે પાંચ મિત્રો પણ રહેલા હતા. આ મામલામાં પોલીસ દ્વારા કુલ 1684 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. જેમાં 50 સાક્ષીઓના નિવેદન પણ ચાર્જશીટમાં મુકાયા છે. આ સિવાય FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ચાર્જશીટમાં મુકવામાં આવેલ છે. તેની સાથે જ જગુઆર કંપનીનો રિપોર્ટ પણ ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યા છે.