AhmedabadGujarat

રથયાત્રા પૂર્વે ગુપ્તચર સુરક્ષા એજન્સી બની સક્રિય, અમદાવાદમાં ત્રણ શંકાસ્પદ લોકોની કરી અટકાયત

રથયાત્રાને હવે એક મહિનાનો જેટલો બાકી રહેલો છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવી છે. આ બાબતમાં અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના આતંકી પ્રવૃત્તિની શંકામાં અમદાવાદના નારોલમાં ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જ્યારે ગુપ્તચર સુરક્ષા એજન્સીઓની જાણકારી બાદ ત્રણ શકમંદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રણ વ્યક્તિ બાંગ્લાદેશના હોવાનું સામે આવ્યું છે.

સુત્રો મુજબ, રાજ્યની એક સુરક્ષા એજન્સી દ્વારા અમદાવાદ નારોલના ઔદ્યોગિક વિસ્તારમાંથી ત્રણ શંકમંદની અટકાયત કરવામાં આવી છે. નારોલ અને ચંડોળા તળાવ આજુબાજુ ગેરકાયદેસર વસવાટ કરી રહેલા બાંગ્લાદેશીઓ પર છેલ્લા થોડા સમયથી સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હતી. એવામાં ગુપ્તચર એજન્સીની જાણકારી બાદ બાદ ત્રણેક શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસ કે અમદાવાદની અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી નહોતી. જે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે તેમના વાયા બાંગ્લાદેશ પાકિસ્તાન સાથેના સંપર્ક હોવાનું સામે આવ્યું છે. આ એજન્સી દ્વારા ત્રણેયના ઘર અને નજીકના લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,ભગવાન જગન્નાથની અમદાવાદમાં નિકળનારી 146 મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. 146મી રથયાત્રામાં જે નવા રથમાં નીકળવાની છે તે રથને કલર કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. પુરીમાં ભગવાન જગન્નાથના રથના જેમ જ અમદાવાદ જગન્નાથજીના નવા રથને રંગવામાં આવશે. આ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ થકી રથને સ્પ્રે કલર કરવામાં આવી રહ્યો છે.