આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા તો ઠીક પણ પ્રેમ સંબંધ પણ બાંધતા હોય છે. પરંતુ ઘણી વખત આ પ્રકારે બાંધેલા પ્રેમ સંબંધ આગળ જતાં ભારે પડતા હોય છે. અને લોકો મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં એક યુવતી સોશિયલ મીડિયા દ્વારા એક યુવકના સંપર્કમાં આવી અને બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે પ્રેમ સંબંધમાં યુવતીના કેટલાક અશ્લીલ ફોટો પોતાના મોબાઈલમાં લઈ લીધા અને પછી તે યુવતીને બ્લેકમેલ કરવા લાગ્યો કે મને પૈસા આપ નહિ તો તારા આ ફોટો વાયરલ કરી દઈશ. આમ કહીને આ યુવકે યુવતી પાસેથી સોનાના ઘરેણાં અને રોકડ રકમ પડાવી લીધી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાઉથ બોપલમાં વસવાટ કરતી 22 વર્ષની ઉંમરની એક યુવતીએ જય નાગોર નામના શખ્શની વિરુદ્ધમાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. એક કન્સલટન્સીની ઓફિસમાં આ યુવતી એકાઉન્ટનું કામ છે. ગત 5 એપ્રિલના રોજ યુવતી જ્યારે તેના ઘરે હાજર હતી તે દરમિયાન ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર એક ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જેથી યુવતીએ તે ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારીને રિકવેસ્ટ વ્યક્તિ સાથે વાતચીત કરવા લાગી હતી. તે સમયે રિકવેસ્ટ મોકલનાર યુવકે વાતચીતમાં પોતાનું નામ જય નાગોર છે તેમ જણાવ્યુ હતુ. બાદમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. તે દરમિયાન યુવતીને વિશ્વાસમાં લઇને યુવકે તેણીના કેટલાક અશ્લીલ ફોટા મેળવી લીધા હતા. જે બાદ યુવક અવાર નવાર યુવતીને બ્લેકમેલ કરીને કહેતો કે તું મને પૈસા આપ નહીં તો હું તારા અશ્લીલ ફોટા વાયરલ કરી દઈશ.
નોંધનીય છે કે, બદનામીના ડરના કારણે યુવતીએ જુદા જુદા સમયે યુવકને ઓનલાઇન મારફતે 1 લાખ રૂપિયા આપ્યા હતાં. જો કે આરોપીએ તે પછી પણ યુવતીને મેસેજ કરીને તેની જોડે રહેલ સોનુ આપવા માટે જણાવ્યું હતું. જેથી યુવતીએ ફોટો વાયરલ ના થઇ જાય તે ડરના કારણે 3.20 લાખ રૂપિયાના સોનાના દાગીના પણ યુવકને આપ્યા હતાં. આટલું બધું લઇ લીધા પછી પણ બીજા આઈડી બનાવીને જય નાગોર અવારનવાર યુવતીને મેસેજ કરીને તેના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને સતત હેરાન કરતો હતો. આ દરમિયાન 17મી તારીખના રોજ યુવતીની માતાએ ઘરની તીજોરીમાં જોયું તો ખબર પડી કે સોનુ ગાયબ થઈ ગયું છે. ત્યારે તેમણે આ મામલે તેમની દીકરીને પૂછતાં યુવતીએ પોતાની સાથે થયેલ બધી જ ઘટના જણાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે પણ ફરિયાદના આધારે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.