રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) અંગતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ-1 માં પ્રવેશ માટેની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છનાર વિદ્યાર્થીઓ દ્વારા 14 થી 26 મી માર્ચ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તેની સાથે જે બાળકની ઉંમર 1 જૂન, 2024 ના રોજ છ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા જ વાલીઓ RTE ની ઓનલાઇન અરજી કરી શકશે.
તેની સાથે આ ફોર્મ ઓનલાઈન ભરતા દરમિયાન વાલીઓ પાસે યોગ્ય પુરાવા હોવા જરૂરી છે. વાલીઓ પાસે ઓનલાઈન ફોર્મ ભરતા સમયે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીના દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્સ રિટર્ન, જ્યારે ઈન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો આવકવેરાને પાત્ર આવક થતી ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવું જરૂરી રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓને પોતાની પાસે રાખવી પડશે.
નોંધનીય છે કે, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે આરટીઈ હેઠળ દર વર્ષે બાળકોને ધોરણ-1 માં ખાનગી સ્કૂલોમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. શહેરની તમામ ખાનગી શાળાઓમાં ધો. 1 માં 25 ટકા અનામત બેઠકો પર આરટીઇના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળક માટે વાલી પોતાના રહેણાંકથી 6 કિલોમીટર સુધીના વિસ્તારની સ્કૂલની પસંદગી કરી શકે છે. તેની સાથે આ યોજના હેઠળ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ફી ભરવાની હોતી નથી. આ સિવાય યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર તરફથી વિદ્યાર્થીના બેન્કના ખાતામાં જમા કરવામાં આવે છે. આ સિવાય સ્કૂલોને પણ સરકાર તરફથી રકમ ચુકવવામાં આવે છે.