આપણે બધા જાણીએ જ છીએ કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. તેના માટે દેશભરમાં રામમય માહોલ દેખાઈ રહ્યો છે. 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ બધાની વચે એક મોટી જાણકારી સામે આવી છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. 22 જાન્યુઆરીના દિવસે કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધા દિવસની રજા રહેશે.
તેની સાથે ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીના સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠાના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા કોલેજોમાં પણ બપોર બાદ રજા જાહેર કરાઈ છે.
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ 22 જાન્યુઆરીના અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લીધે તમામ રાજ્ય સરકારની ઓફિસોમાં અડધા દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરીના સોમવારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં બપોરના 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગુરુવાર એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ દ્વારા જાહેરાત કરી હતી કે 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે.