ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરી દ્વારા ફેટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ફેટના ભાવમાં પ્રતિ કિલોએ 10 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવ વધારો કરાતા ફેટનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 820 થઈ ગયો છે. ત્યારે આ ભાવ વધારો પ્રથમ એપ્રિલથી અમલમાં મુકાશે.
જાણકારી મુજબ, મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મોટી ભેટ આપી દેવામાં આવી છે. છે. જ્યારે ગત જુલાઈ મહિનામાં દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકો માટે ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે એક વર્ષ બાદ ફરી ડેરી દ્વારા પશુપાલકો માટે 10 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવતા હવે પશુ પાલકોને પ્રતિકિલો રૂપિયા 820 નો ભાવ પ્રાપ્ત થશે.
તમને જણાવી દઈએ કે, દૂધ સાગર ડેરી દ્વારા દૂધના ભાવમાં 10 રૂપિયા ના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે. અશોક ચૌધરી ના ત્રણ વર્ષના શાસનમાં 13 મી વખત પશુપાલકોને દૂધના ભાવમાં વધારો કરાયો છે. ત્યારે અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા તે સમયે દૂધ ના ભાવ 650 રૂપિયા હતા. જે તબક્કાવાર વધારીને 820 કરવામાં આવ્યા છે. અશોક ચૌધરી ના ત્રણ વર્ષના સમયમાં દૂધનાં ભાવમાં 170 રૂપિયાનો વધારો કરાયો છે. ચેરમેન અશોક ચૌધરી ના સમયગાળા દરમિયાન દૂધના ભાવમાં 170 રૂપિયા નો વધારો થવાના લીધે વાર્ષિક 725 કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોને પ્રાપ્ત થશે.