GujaratAhmedabad

વસ્ત્રાપુરમાં પથ્થરમારા મામલામાં મોટા સમાચાર, PI ગોવિંદ ભરવાડ સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદ ના વસ્ત્રાપુરમાં બુધવાર રાત્રીના એટલે ગઈકાલ રાત્રીના ભરવાડ વાસમાં જૂથ અથડામણ ની ઘટના સર્જાઈ હતી. જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવતા સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક 70 વર્ષીય મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે હવે આ બાબતમાં પોલીસ દ્વારા ગાંધીનગરમાં ટ્રાફિક ના PI ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે,  અમદાવાદના વસ્ત્રાપુર માં આવેલ ભરવાડ વાસમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ની પત્રિકા માં નામ છપાવવા બાબતમાં વિવાદ ચાલી રહ્યો હતો. 9 મેના રોજ થવાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ના ઉત્સવ ની પત્રિકામાં નામ લખવાની બાબતમાં અથડામણ થઈ  હતી. વસ્ત્રાપુર ગામ માં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસ ના PI ગોવિંદ ભરવાડ સામેલ હોવાની જાણકારી સામે આવી હતી. જાણકારી અનુસાર, PI ગોવિંદ ભરવાડ દ્વારા પોતાનું નામ પત્રિકામાં નોંધવામાં આવ્યું હતું. જ્યારે હવે આ મામલામાં પોલીસ દ્વારા હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટીંગ કેસમાં PI ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા PI ગોવિંદ ભરવાડ સહિત સાત લોકો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, આ જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં સાત લોકોને ઈજા થઈ હતી. જયારે એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. તેમ છતાં આ ઘટનાની જાણકારી પોલીસને થતા પોલીસ નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી પરિસ્થિતિ ને કાબુમાં લીધી હતી. પોલીસ દ્વારા પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલામાં ACP એ ડિવિઝન જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગઈકાલે ભરવાડ વાસ નાં બે ટોળા વચ્ચે સામ-સામે જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થતાં 70 વર્ષીય મહિલાને છાતીના ભાગે પથ્થર વાગતાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કુલ 14 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ઘટનામાં સામેલ પી આઈ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.