AhmedabadGujarat

ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાએ પિતા પુત્રનો લીધો ભોગ, જાણો એવું તો શું થયું?

બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. જ્યારે હવે તેની અસરો પણ શરુ થઈ ગઈ છે જ્યારે ગઈકાલ મધરાત્રી સુધી આ વાવાઝોડાનો કહેર જોવા મળશે. જ્યારે હવે આ વાવાઝોડાની અસર ભાવનગરમાં જોવા મળી છે. કેમકે વાવાઝોડાના લીધે બે લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

ભાવનગરના ભંડાર ગામથી સમાચાર સામે આવ્યા છે કે, ગામ પાસેથી પસાર થનાર નદી નાળાનાં પાણીમાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાય ગયા હતા. અણધાર્યા વરસાદના લીધે ભંડાર અને સોડવદરા ગામ પાસે પિતા-પુત્ર વરસાદના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા. એવામાં ભંડાર અને સોડવદરા ગામ પાસે આવેલ ફાર્મહાઉસમાંથી પાણી નિકાલ માટે રાખવામાં આવેલ ભૂંગળામાંથી બકરા તણાઈ જતા તેને બચાવવા જતા દરમિયાન પિતા-પુત્રને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફાર્મહાઉસમાં ભરાયેલ પાણીના નિકાલ માટે રાખવામાં આવેલ ભૂંગળામાં ઉપરવાસમાંથી ડુંગરમાંથી પાણી આવી ગયું હતું તેના લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. ભૂંગળામાં પાણીમાં ગૂંગળાઈ જવાના કારણે દેવીપૂજક પિતા-પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે આ બંને મૃતક સોડવદરા ગામના હોવાનું સામે આવ્યું છે. મૃતક પિતા-પુત્રના મૃતદેહને પીએમ અર્થે  સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતને ટકરાતા ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તેના લીધે અનેક રોડ પર પાણી ભરાઈ ગયા છે. પાણીમાંથી પસાર થવાના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો વારો આવ્યો છે. તેની સાથે હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.