ભાજપના નેતાની પોસ્ટ વાયરલ, “લાચારીનું બીજું નામ શિસ્ત અને કાયરતાનું વફાદારી”
લોકસભા 2024ની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ પણ થઈ ગયેલ છે. એવામાં આગામી તબક્કાના મતદાન માટે મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન યોજાશે ત્યારે તમામ બેઠકો પર ઉમેદવારોએ નામાંકન દાખલ કરી દેવામાં આવ્યું છે. એવામાં અમરેલીના ભાજપના નેતા દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ પોસ્ટને લઈને તે ચર્ચાઓમાં આવી ગયા છે.
જાણકારી મુજબ, અમરેલીના ભાજપના નેતા ભરત કાનાબાર અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચર્ચામાં બન્યા રહે છે ત્યારે તેમના દ્વારા વધુ એક વખત પોસ્ટ કરવામાં આવી છે. તેના લીધે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભરત કાનાબાર દ્વારા આ અગાઉ સરકાર સામે સવાલો ઉભા થાય તેવી પોસ્ટ પણ કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત તેમની પોસ્ટને લઈને અનેક પ્રકારની અટકળો તેજ બની છે. એવામાં ભરત કાનાબાર દ્વારા શિસ્ત અને વફાદારીના બહાને આકરો કટાક્ષ કરતી હોય તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ભરત કાનાબાર દ્વારા પોતાની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “શિસ્ત : અન્યાય થતો હોય ત્યારે પણ મૂંગા મોઢે સહન કરવું પડે તેવી લાચારીનું બીજું નામ શિસ્ત રહેલ છે. જ્યારે વફાદારી : જે વતનની ધરતીના અન્ન-પાણીએ આપણું પોષણ કર્યું છે તેના લોકોનું અહિત થઇ રહ્યું હોય તે જાણવા છતાં કઈ ના કરી શકવાની કાયરતાનું બીજું નામ વફાદારી રહેલ છે.” તેની સાથે તેમને આ પોસ્ટ શેર કરવાની સાથે એક તસ્વીર પણ શેર કરી હતી જેમાં હાથમાં હથકડી જોવા મળી છે.