GujaratMadhya Gujarat

નજીવી બાબતમાં ભાજપના કાર્યકર પર થયો જીવલેણ હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત

રાજ્યમાં હત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં જાહેરમાં લાકડીના ફટકા મારીને ભાજપના એક સંનિષ્ઠ કાર્યકરની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના સમગ્ર વાસણા રોડ ખાતે આવેલ સુક્રુતિ સોસાયટીમાં વસવાટ કરતા અને ફેબ્રિકેશન નો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ભાજપના કાર્યકર સચિન ઠક્કર 25મી જુલાઈના રોજ રાત્રીના સમયે તેમના એક કઝિન પ્રિતેશ સાથે રેસકોર્સ વિસ્તાર ખાતે આવેલ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. ત્યારે 15 દિવસ અગાઉ કાર પાર્ક કરવા જેવી નાની  બાબતમાં થયેલી તકરાર ની અદાવત રાખીને પાર્થ બાબુલ પરીખ નામના નબીરા અને તેના બે સાગરિતોએ મળીને અચાનક જ હુમલો કરી દેતા બંને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભાજપના કાર્યકર્તા સચિન ઠક્કર નું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, 15 દિવસ અગાઉ જ્યારે સચિન ઠક્કર પર હુમલાખોરોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તે અંગેની અરજી ગોત્રી પોલીસને આપવામાં આવી હતી. પરંતુ ત્યારે પોલીસે કોઈ જ પગલા ના લેતા હુમલો કરનારની હિંમત વધી ગઈ હતી અને ફરીથી સચિન ઠક્કર પર હુમલો કર્યો હતો. જેમાં ભાજપના કાર્યકર્તા સચિન ઠક્કરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.