બીલીમોરામાં ગટરમાં પડી ગયેલી છ વર્ષની બાળકીનો મૃતદેહ 22 કલાકની જહેમત બાદ નદીમાંથી મળ્યો
રાજ્યમાં ચોમાસું ધીરે-ધીરે બેસી રહ્યું છે. એવામાં નવસારીના બીલીમોરાથી એક દુઃખદ ઘટના સામે આવી હતી. નવસારીના બીલીમોરામાં વરસાદી પાણી ભરાતા ખુલ્લી ગટરમાં બાળકી પડી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ બાળકીને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, શાહીન નામની બાળકીનું મૃતદેહ અંબિકા નદીમાંથી મળી આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, નવસારી જિલ્લાના બીલીમોરામાં ૨૮ મી જૂનના રોજ છ વર્ષની બાળકી બપોરના સમયે રમતા-રમતા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. તેને શોધવા માટે નગરપાલીકાની અને ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ શરુ કરાયું હતું. તેમ છતાં 22 કલાક બાદ અંબિકા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે દીકરીનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લાના બીલીમોરામાં ૨૮ મી જૂનના રોજ સવારથી વરસાદી માહોલ બન્યો હતો. તેના લીધે ઠેર-ઠેર પાણી ભરવાના દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે વખારીયા રોડ પર રહેનાર શેખ પરિવારની છ વર્ષીય બાળકી બપોરના સમયે ગુમ થઈ ગઈ હતી. તેના લીધે માતાપિતા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં ઘણા સમય બાદ પણ કોઈ પતો ન મળતા આજુબાજુના સીસીટીવી ચેક કરાયા હતા. જેમાં સીસીટીવીમાં બાળકી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં જોવા મળી હતી. ત્યાર બાદ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંતે 22 કલાક બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.