ભારતમાં રમાનાર ICC વન ડે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે. 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપનો શુભારંભ થશે તો આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. 46 દિવસ સુધી ચાલનારી આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ કુલ 48 મેચ રમાશે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પહેલી મેચ રમાશે. પરંતુ 15મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાનાર ઇન્ડિયા પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળો રહ્યો છે. અને તેને લઈને અત્યારથી જ હોટલોની બુકીંગોના ભાવ આસમાને પહોંચ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વન ડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે 15મી ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ત્યારે અમદાવાદ શહેરમાં ભારત પાકિસ્તાનની મેચને લઈને હોટલના ભાડામાં 167% વધારો નોંધાયો છે. અને આ સિવાય અનેક હોટલો તો અત્યારથી જ હાઉસ ફુલ પણ થઈ ગઈ છે. મેચના કાર્યક્રમની જાહેર થતાની સાથે જ શહેરની અનેક ફાઈવસ્ટાર હોટલોએ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર બુકિંગ પણ બ્લોક કરી દીધા છે.
નોંધનીય છે કે, ક્રિકેટ રસિકોએ વર્લ્ડ કપ ટુર્નામેન્ટનું કાર્યક્રમ જાહેર થતાની સાથે જ 15મી ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાનાર ભારત પાકિસ્તાનની મેચને લઈને હોટલોમાં બુકિંગ શરૂ કરી દીધું છે. હોટેલોના માલિકોએ પણ મેચને લઈને ભાડામાં ખૂબ વધારો દીધો છે. ભારત પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદની કેટલીન્ક નામાંકિત હોટલોએ તો આડેધડ ભાડા વસુલવાનું શરૂ કર્યું છે. તો કેટલીક હોટલોમાં લાખ રૂપિયા સુધી હોટેલનું ભાડું વસુલવામાં આવી રહ્યું છે. તો અનેક હોટલોએ તો બુકીંગ જ બ્લોક કરી દીધું છે. આમ ભારત પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.