ભાઈ બહેનના સંબંધ ને કલંક લગાડતો કિસ્સો : સાવકી માતા ના પુત્રએ એકલતાનો લાભ ઉઠાવીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
કેટલાક લોકો પોતાની હવસને પુરી કરવા માટે થઈને સંબંધોની મર્યાદા પણ ભૂલી જતા હોય છે. આવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં સગીરા સાથે તેની સાવકી માંના પુત્રએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2006માં ફરિયાદીને તેમની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. ફરિયાદીને સંતાનમાં પ્રથમ પત્ની થકી એક દીકરી છે. પરંતુ પ્રથમ પત્નીનું અવસાન થયા એક વર્ષ પછી ફરિયાદીએ સવિતા બહેન (નામ બદલાવેલ છે) નામની એક મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યારે જે સવિતા બહેન ને પણ તેમના પ્રથમ પતિથી રાજુ (નામ બદલાવેલ છે) નામનો એક દીકરો હતો. આમ ફરિયાદી અને તેમની દીકરી અને બીજા લગ્ન કર્યા તે સવિતા બહેન અને તેમનો પુત્ર આ ચારેય લોકો રાજકોટ શહેરના નાડોદા નગર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર, દોઢ મહિના પહેલા ફરિયાદી તેમના પગનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓ ભાવનગર ખાતે જતા રહ્યા હતા. આ દરમિયાન ફરિયાદી ની દીકરી અને ફરિયાદીની બીજી પત્ની અને આંગળીયાત દીકરો રાજકોટના નાડોદા નગર ખાતે એકલા રહેતા હતા. જે દરમિયાન 9 જુલાઈથી 29 જુલાઈ 2023 સુધીમાં એકલતાનો લાભ લઈને ફરિયાદીની દીકરી સાથે સવિતાબેન ના પુત્ર રાજુએ જબરજસ્તી કરીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.