અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી છે. શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓએ મળીને હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પીડિત વિદ્યાર્થી મોનિટર હોવાથી છૂટતી વેળાએ અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં ચાલવા માટે સૂચના આપતો હતો. આ બાબતનો ખાર રાખીને ત્રણ વિદ્યાર્થીઓએ તેને ધમકાવી બાદમાં શર્ટ પર બ્લેડ મારી હતી અને શર્ટના બટન તોડી નાખ્યા હતા અને માર માર્યો હતો. ઘટના બાદ સમગ્ર શાળા પરિસરમાં ભારે ચર્ચા અને ભયનું વાતાવરણ જોવા મળ્યું છે.
મહત્વનું એ છે કે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક (government managed school) હોવા છતાં આ પ્રકારની ગંભીર હિંસક ઘટના બની છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં પીડિત વિદ્યાર્થીના પિતાએ ત્રણ વિદ્યાર્થીઓ સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કૂલમાં ખાનગી વસ્ત્રોમાં પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
બનાવની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચી હતી. ટીમ દ્વારા સમગ્ર ઘટનાની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આરોપી વિદ્યાર્થીઓને બોલાવી તેમના નિવેદન લેવામાં આવશે.આ મામલે અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરી દ્વારા સ્કૂલના પ્રિન્સિપાલ તથા એડમિનને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં આ ગંભીર બનાવ માટે જવાબદાર બેદરકારી બદલ શા માટે સસ્પેન્ડ ન કરવામાં આવે તે બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી છે. શાળાની આંતરિક વ્યવસ્થા અને દેખરેખ પર પણ સવાલો ઊભા થયા છે.
પોલીસ ફરિયાદ મુજબ, શાળા છૂટ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે બહાર નીકળે તે માટે ધોરણ-7નો મોનિટર અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં ચાલવા માટે સૂચના આપી રહ્યો હતો. ત્યારે ત્રણ વિદ્યાર્થીઓ લાઈનમાં ચાલતા ન હોવાથી મોનિટરે તેમને લાઈન પાળવા અથવા બાજુમાં ઊભા રહેવા કહ્યું હતું. આ વાતથી ત્રણેય વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તે જ સમયે મોનિટર સાથે ઝઘડો કરી ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
બીજા દિવસે આશરે સવારે 11 વાગ્યાના અરસામાં જ્યારે મોનિટર ક્લાસરૂમમાંથી વોશરૂમ તરફ જઈ રહ્યો હતો, ત્યારે ત્રણેય વિદ્યાર્થીઓ તેની પાછળ ગયા હતા. ત્યાં કોલર પકડીને તેને ધમકાવતા કહ્યું હતું કે, અમને લાઈનમાંથી બહાર કેમ કર્યા હતા. આ દરમિયાન ત્રણમાંથી એક વિદ્યાર્થીએ હાથમાં રહેલી બ્લેડથી મોનિટરના શર્ટના બટન કાપી નાખ્યા હતા અને તેને માર માર્યો હતો. સાથે જ ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.